બાળ કાવ્ય સંપદા/ખેતરને ખોળે

ખેતરને ખોળે

મૂળજીભાઈ પીતાંબરદાસ શાહ
(1910-1975)


જી રે! ખેલીએ ખેતરને ખોળે,
ખેલી ખેલી ને કરીએ કિલ્લોલ :
કે ખેલીએ ખેતરને ખોળે.

મારા તે ખેતરે ગાતી કૈં કોકિલા;
મારા તે ખેતરે નાચે શા મોરલા.
કે ખેલીએ ખેતરને ખોળે.

જી રે! ઝૂલીએ ખેતરને ઝોલે,
ઝૂલી ઝૂલી ને રાચીએ રે લોલ :
કે ખેલીએ ખેતરને ખોળે.

રૂમઝુમ અન્નદેવી ખેલંતી સંગમાં;
કુમકુમ છાંટે કેવી જીવનના રંગમાં.
કે ખેલીએ ખેતરને ખોળે.

જી રે! આપીએ અંતરની તાળી,
આપી આપી ને લઈએ સુલ્હાવ :
કે ખેલીએ ખેતરને ખોળે.

રાત, પડે તારલા ને ચાંદા સંગાથે;
અંતરની ગોઠડી કરીએ સૌ સાથે.
કે ખેલીએ ખેતરને ખોળે.

જી રે! મોહનની મોરલી રસાળી,
રંગ રેલે ને પાડતી પ્રભાવ :
કે ખેલીએ ખેતરને ખોળે.