બાળ કાવ્ય સંપદા/ખેલ વરસનો પૂરો
લેખક : રમેશ ત્રિવેદી
(1941)
અગડં નાચે, બગડં નાચે, નાચે તાતા થૈ,
તગડં તગડં કેવા નાચે, નાચે તાતા થૈ.
શિયાળો તો અગડં અગડં સુક્કી સુક્કી ડાળ;
પર્ણો ખરતાં વૃક્ષ-વેલનો ખાલી ખાલી થાળ;
આભે ઊંચે ઊડતા ઊડતા સરરર પતંગ-દોર,
ધાબળો ઓઢી રાત આવે જાણે કાળો ચોર.
છોરાં કેવાં મસ્ત બનીને શેરડી ચૂસે ભૈ,
અગડં ભૈ તો કેવા નાચે, નાચે તાતા થૈ.
ઉનાળો તો બગડં બગડં વાગે નગારાં-ઢોલ,
બળતી જળતી બપોર કે'તી : ભૈલા, બારણું ખોલ !
હાંફે હાંફે સુક્કી ધરતી નદી-નાળાં ને ઢોર,
ધૂળ ધૂળ થઈ વાયરો દોડે કાઢી સઘળું જોર.
ગામગોંદરે છોરાં રમતાં હસતાં તાળી દૈ,
બગડંભૈ તો કેવા નાચે, નાચે તાતા થૈ.
ચોમાસું તો તગડં તગડં નાચે ચાતક-મોરા,
કાગળ હોડી લઈને દોડે નાનાં-મોટાં છોરાં.
મરક મલકે મુખડું કોનું સીમ કરે કલશોર,
આભ વરસે અનરાધાર ધરતી જળબંબોળ.
દાંડિયા લઈને ઘૂમે છોરાં દૂધ-પૌંઆ ખૈ,
તગડંભૈ તો કેવા નાચે, નાચે તાતા થૈ.
અગડં બગડં તગડં કેરો જાદુ એવો થયો.
તાતા થૈ થૈ ખેલ વરસનો પૂરો કેવો થયો !