બાળ કાવ્ય સંપદા/ચાંદો ઉગ્યો રે !

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચાંદો ઊગ્યો રે !

લેખક : રમેશ ત્રિવેદી
(1941)

અજવાળાની થાળી લઈને ચાંદો ઊગ્યો રે,
ભૂલકાં નાચે તાળી દઈને ચાંદો ઊગ્યો રે !
ગામ ગામ ને ગલી ગલીએ
વન-વગડામાં હાસે રે,
નાચે કૂદે મ્હાલે સૌએ
કેવાં ચગતાં રાસે રે !
દૂધે ઝરતી ઝારી લઈને ચાંદો ઊગ્યો રે,
અજવાળાની થાળી લઈને ચાંદો ઊગ્યો રે !
ભેદ ભુલાવે ઝૂલે ઝુલાવે
ખીલી ખૂબ ખિલાવે રે,
શીતળ શીતળ અમરત એનાં
ઘૂંટ ભરી પિલાવે રે !
તારલિયાની પ્યાલી લઈને ચાંદો ઊગ્યો રે,
ભૂલકાં નાચે તાળી દઈને ચાંદો ઊગ્યો રે !