બાળ કાવ્ય સંપદા/ગણેશ દેવા
Jump to navigation
Jump to search
ગણેશદેવા
લેખક : જતીન્દ્ર આચાર્ય
(1916-1998)
સહુ દેવોમાં અમને પ્યારા પ્યારા ગણેશદેવા,
હરખી હરખી કરીએ સહુયે એ દાદાની સેવા.
લાડુ ભાવે ગોળ-ઘી તણા, ના માગે એ મેવા,
નાનાંમોટાં સહુયે કરતાં દુંદાળાની સેવા.
મોટું માથું ગજરાજાનું : શોભે સુંદર શીશ,
ભોળા તો એવા કે માથું નમતાં દે આશિષ !
લખવામાં તો મળે ન જગમાં ગણપતિજીનો જોટો,
ઘેરે ઘેરે દેરે દેરે હોય એમનો ફોટો.
એક દિવસ પૃથ્વી-પરકમ્મા કરવા કીધી હોડ,
ગણપતિએ તો કમાલ કીધી, મળે ન એની જોડ !
કાર્તિક સ્વામી ધરતી ફરતા જલદી જલદી દોડે;
માત-પિતાના ફેરા ફરીને ગણપતિ જીત્યા હોડે.
બુદ્ધિના એ બહુ બળિયા છે રિદ્ધિ-સિદ્ધિના સ્વામી,
શિવ-શક્તિના પુત્ર પનોતા, રહીએ મસ્તક નામી.
લંબોદરને નમીએ, જેનાં સાગર જેવાં હૈયાં,
ગણપતિદાદા રક્ષા કરજો ! અમે તમારાં છૈયાં.