બાળ કાવ્ય સંપદા/ગામને ગોંદરે
ગામને ગોંદરે
લેખક : રઘુવીર ચૌધરી
(1938)
ગામને ગોંદરે ચાલો ગેાવાળિયા
આપણે રમવા જઈએ જી રે !
ગાવડી છે વડદાદાની દીકરી,
બાળુડાં એનાં થઈએ જી રે !
નાના તળાવમાં બતક તરે છે,
ઊંચેરી પાળ પર લેલાં ફરે છે,
પાણી પર વડની છાયા સરે છે,
વાછરડાં તેજનો ચારો ચરે છે.
લીલેરાં કૂણેરાં તરણાંની ટોચથી
મોતીડાં વીણી લઈએ જી રે !
ગામને ગોંદરે ચાલો ગાવાળિયા !
આપણે રમવા જઈએ જી રે !
આંબા કને મોર કળા કરે છે,
મંદિરે મઘમઘ મોગરો ઝરે છે,
આરતી થાય, થાક સૌનો હરે છે,
લેવા પરસાદ સહુ ખોબો ધરે છે.
માતા જસોદા પૂછે કે કાન ક્યાં
બાતમી આપી દઈએ જી રે !
ગામને ગોંદરે ચાલો ગાવાળિયા
આપણે રમવા જઈએ જી રે !