બાળ કાવ્ય સંપદા/બડો કારભારી

બડો કારભારી

લેખક : યશવન્ત મહેતા
(1938)

ભલે પાંખમાં ન ધર્યું સાત રંગો,
ભલે લોહ-શાં દૃઢ નહિ મુજ અંગો.
ભલે બોલવે-ચાલવે હું કઢંગો;

પરંતુ છું જગમાં બડો ઉપકારી,
સદા રાખજો, દોસ્ત, પહેચાન મારી.

જગતનો હું કચરો-કૂડો સાફ કરતો.
જીવાતો ને કીડાના ઝટ પ્રાણ હરતો,
મર્યા જીવથી પેટ ભરપૂર ભરતો;

હું છું સાવ મફત સફાઈ-કર્મચારી,
સદા રાખજો, દોસ્ત, પહેચાન મારી.

કદી પારધી-જાળમાં ન ફસાઉં;
ન બંદૂક કે તીરથી વીંધાઉં,
ન અડબંગ બાળકનો પથ્થર હું ખાઉં;

સદા જાગતી આંખથી જોઉં ધારી,
સદા રાખજો, દોસ્ત, પહેચાન મારી.

ખબર ઝટ્ટ વરસાદ-વંટોળના દઉં,
કદી નાગ આવે તો સાવધ કરી દઉં.
ને વાનર બૂઢાનેય ઘાયલ કરી દઉં;

હું છું કાગડો, હું બડો કારભારી,
સદા રાખજો, દોસ્ત, પહેચાન મારી.