બાળ કાવ્ય સંપદા/ગુલમહોર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ગુલમોર

લેખક : નટવર પટેલ
(1950)

ઘરના ખુલ્લા આંગણ મહોર્યો
કેવો આ ગુલમોર !
તડકો પીને કેવો ફોર્યો
પીળો આ ગુલમોર !

ધોમ ધખે છે ધરતી કણકણ
વ્યોમ થકી વરસે છે લૂ,
તરસ્યાં પંખી, જન સૌ તલસે
માગે કેવળ શીતળ ભૂ.
એવે રૂપ ધરીને મહોર્યો
ધીરો આ ગુલમોર !

ગુલમોરની ડાળે ડાળે
મહેંકે રાતાંપીળાં ફૂલ
ભરબપોરે લૂમાં ગાતો
થઈને એ મશગૂલ
વાસંતી હૈયામાં મહોર્યો
શીળો આ ગુલમોર !

તડકો પીને કેવો ફોર્યો
પીળો આ ગુલમોર !