બાળ કાવ્ય સંપદા/ચાંદરણી ગાય
Jump to navigation
Jump to search
ચાંદરણી ગાય
લેખક : રમણીક અરાલવાળા
(1910-2016)
ચાંદરણી ગાય મારી ચાંદરણી ગાય,
વહેલી વહેલી વડે ચરવા જાય;
રૂમઝૂમ રૂમઝૂમ ઝાંઝર થાય,
મધુર મધુર એની ઘંટડી સુણાય !
ચાંદરણી ગાય મારી ચાંદરણી ગાય,
જંગલમાં ભમતી ઝીંઝવો ખાય;
ઘૂમતી ઘૂમતી જાય ઝરણાને તીર,
શીતળ ને મીઠાં મીઠાં પછી પીએ નીર !
ચાંદરણી ગાય મારી ચાંદરણી ગાય,
મખમલ જેવી એની ચળકે છે કાય;
વડલે ગોવાળિયાની વાંસલડી વાય,
ચાંદરણી ગાય બેઠી બેઠી ઝોકાં ખાય !
ચાંદરણી ગાય મારી ચાંદરણી ગાય,
સાંજ પડે વહેલી વહેલી ઘર ભણી ધાય;
વાછરડી સાથ કેવી કરતી રે ગેલ,
વહાલી વહાલી લાગે એને કોઢિયાની જેલ !
ચાંદરણી ગાય મારી ચાંદરણી ગાય,
તાંબડી લઈને બા દોહવાને જાય;
પ્યાલો ધરીને હું તો ઊભો છું પાસ,
ઊના ઊના દૂધની અંતરમાં આશ.