બાળ કાવ્ય સંપદા/ચાંદલો ગમે
Jump to navigation
Jump to search
ચાંદલો ગમે
લેખક : ભાનુભાઈ પંડ્યા
(1923)
મને આભલે ચમકતો ચાંદલો ગમે,
એની આસપાસ નાના-મોટા તારા રમે... મને.
મને શિયાળે સૂરજનો તડકો ગમે,
એની આસપાસ મારો પડછાયો રમે... મને.
મને ઉનાળે સંધ્યાની સોબત ગમે,
એની આસપાસ લાલ પીળા રંગો રમે... મને.
મને ચોમાસે વીજના ચમકારા ગમે,
એની આસપાસ ઘનઘોર વાદળ રમે... મને.
મને ધરતીના ખોળે ઊગ્યા છોડવા ગમે,
એની આસપાસ પાંદડાં ને ફૂલો રમે... મને.
મને માનવ-મહેરામણના મેળા ગમે,
એની આસપાસ નાનાં-મોટાં છોરાં રમે... મને.