બાળ કાવ્ય સંપદા/ચાલો, સાગરપારે!
ચાલો, સાગરપારે!
લેખક : મકરન્દ દવે
(1922-2005)
મોરમુખી ઓ નાવડી મારી ચાલો, સાગરપાર રે!
નીલમ નીલાં નાચતાં પાણી,
નાચતું મારું મન સ્હેલાણી,
ભોમકા મીઠી આજ અજાણી,
નોતરે પેલા ઊગતા સૂરજને સથવારે,
મોરમુખી ઓ નાવડી મારી ચાલો, સાગરપારે!
સાત સાગરને સામટા ખેડી,
રંગરંગીલા સોણલાં તેડી,
પાડશું પ્રથમ પ્રેમની કેડી,
દરિયા કેરી દુનિયાના જ્યાં સોબતી નેહ નિતારે,
મોરમુખી ઓ નાવડી મારી ચાલો, સાગરપારે!
ભેટ ભરીને વંકડા વેષે,
આવશું પાછાં આપણે દેશે,
બા ને બેની દુખણાં લેશે,
શ્વેત સઢાળી નાવ ઓ ચાલો, ચાલો એક ઇશારે,
મોરમુખી ઓ નાવડી મારી ચાલો, સાગર પારે!