બાળ કાવ્ય સંપદા/નીંદરને નોતરું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નીંદ૨ને નોતરું

લેખક : મકરન્દ દવે
(1922-2005)

ઘડીક અધઘડી આવજે રે
ઓ નીંદરડી !
મારી ટમીબહેનની આંખમાં આવજે રે
ઓ નીંદરડી !
મીઠાં મીઠાં સોણલાં લાવજે રે
ઓ નીંદરડી !
એક સોના-વાટકડી ઘોળજે રે
ઓ નીંદરડી !
મારી બેનીના પાય ખંખોળજે રે !
ઓ નીંદરડી !
એક તારા – ટીબકડી ચોડજે રે
ઓ નીંદરડી !
ભેળી બીજ રૂપકડી જોડજે રે
ઓ નીંદરડી !
આલાલીલા વાંસની વાંસળી રે
ઓ નીંદરડી !
મારી બેની સુણે થૈ ઉતાવળી રે
ઓ નીંદરડી !
કાંઈ નીલમપરીના નિવાસમાં રે
ઓ નીંદરડી !
બેની ઘૂમે છે રમઝટ રાસમાં રે
ઓ નીંદરડી !
જાણે ફોરમતી ફૂલની ફૂદડી રે
ઓ નીંદરડી !
મારી બેનીની નવરંગ ચૂંદડી રે
ઓ નીંદરડી !
જાય લળી લળી પરીઓ વારણે રે
ઓ નીંદરડી !
મારી બેનીના પોપટ-પારણે રે
ઓ નીંદરડી !
કાંઈ ચાંદનીની ચાદર ઓઢાડજે રે
ઓ નીંદરડી !
મારી બેનીને પ્રીતે પોઢાડજે રે
ઓ નીંદરડી !