બાળ કાવ્ય સંપદા/ચિતરું કેમ હું મમ્મી ?

ચીતરું કેમ હું મમ્મી ?

લેખક : ગોવિંદ દરજી ‘દેવાશું’
(1950)

કોરા કાગળ પર હું ચીતરું
લીલું લીલું ખેતર;
જોઉં નજરે પંખી દોરું
મો૨-કબૂત૨-તેત૨.

ઊંચા પ્હાડોના પ્હાડોને
ચીતરું ઊંડી ખીણો !
ચીતરું સૂરજદાદા-ચંદર
પ્રકાશ ઝળહળ-ઝીણો !

ઝાડ-પશુ-નદી ભેખડને
દોરું કાગળમાં કોરા !
બા-દાદા થાબડશે ખભ્ભો !
વદશે ‘ડાહ્યા છોરા !’

ચીતરું કાગળમાં જગ આખું
ચીતરું કેમ હું મમ્મી ?
ચીતરું કેમ એના હૈયાને
પ્રેમ રહે છે ઝંખી !