બાળ કાવ્ય સંપદા/ટચૂકડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ટચૂકડી

લેખક : મોહનભાઈ ભાવસાર 'દીનબંધુ'
(1925)

ટચૂકડી એક કીડી, ઢચૂક કરતી હીંડી
કેવી ચઢતી સીડી, જાણે બળીએ બાથ ભીડી !
નાક ટચૂકડું આંખ ટચૂકડી
દાંત ટચૂકડા જીભ ટચૂકડી
પગ ટચૂકડા ચાલ ટચૂકડી
ખાતી કેવી સાકર ટુકડી !
ટચૂકડીનો ચટકો ભારે
ચાલે ત્યારે લટકો ભારે
કારણ વિણ ફાંફાં ના મારે
જોવી ગમતી વારે વારે !
નાની આંખે દેખે કેવું !
અંધારે પણ પેખે કેવું !
ધ્યાન તો એનું જોવા જેવું,
કામ બધુંય વખાણું એવું.
સીધી હારમાં ચાલે કેવું !
કોણે એને શીખવ્યું એવું ?
શિસ્ત અને સમજણનું એવું
જાતે અમલમાં મૂકવા જેવું.
મહેનત કરતાં જે ના થાકે
મીઠાં ફળ તેનાં તો ચાખે
ખ્યાલ બીજાનો પણ જે રાખે
ભલું બધાનું એ તો તાકે.
માણસ કેમ શીખે તોય ભૂલે ?
ફરજ વિવેકથી શું કામ ડૂલે ?
નાનાંને નાનાં ધારવાં નહિ,
જીવજંતુ નાનાં સતાવવાં નહિ.