બાળ કાવ્ય સંપદા/તડકાનાં ઝાંઝર

તડકાનાં ઝાંઝર

લેખક : રામુ પટેલ ‘ડરણકર’
(1954)

તડકાનાં હું ઝાંઝર પહેરી રૂમઝૂમ રૂમઝૂમ ચાલું,
ખનક ખનક કૈં ઝાંઝર બોલે હું તો મસ્તીમાં મ્હાલું.

તડકો મારો દોસ્ત બનીને મારી પાસે આવે,
હળવે રહીને કાનમાં પૂછે : ‘મારી સાથે ફાવ્વે ?’

 ‘હોવ્વે’ કહીને એની સાથે બોલું કાલું કાલું,
તડકાનાં હું ઝાંઝર પહેરી રૂમઝૂમ રૂમઝૂમ ચાલું.

નાની મારી ગાગર બ્હેની એમાં તડકો ભરું,
એને મૂકી માથે હું તો અલકમલકમાં ફરું.

મુઠ્ઠીમાં પકડું તો એ છટકે કેમ કરી હું ઝાલું ?
તડકાનાં હું ઝાંઝર પહેરી રૂમઝૂમ રૂમઝૂમ ચાલું.