બાળ કાવ્ય સંપદા/તડકો
Jump to navigation
Jump to search
તડકો
લેખક : રવીન્દ્ર ઠાકોર
(1928)
તડાક તડકો,
સૂરજની આંખોનો ભડકો.
પીળું સોનું વેરે તડકો,
લીલો, લીલી ડાળે તડકો,
ફૂલની નાની કળીઓ સાથે,
મીઠું મીઠું મલકે તડકો.
તડાક તડકો,
સૂરજની આંખોનો ભડકો.
નદીએ ન્હાતો જાય તડકો,
સાગરગીતો ગાય તડકો,
પવનની ફરફર સંગાથે
દશે દિશાએ સરકે તડકો.
તડાક તડકો,
સૂરજની આંખોનો ભડકો.
પંખી પાંખે ઝૂલે તડકો,
કોયલ કંઠે હુલે તડકો,
દડબડ દડબડ દોડી જૈને
ડુંગર ટોચે ફરકે તડકો.
તડાક તડકો,
સૂરજની આંખોનો ભડકો.
ખેતર ચાસે રમતો તડકો,
મોલે મોલે ઝૂમતો તડકો,
લોક તણી આંખોમાં કેવો
વ્હાલ બનીને ચમકે તડકો.
તડાક તડકો,
સૂરજની આંખોનો ભડકો.
ભલેને અડકો,
તોય દઝાડે ના એ તડકો.