બાળ કાવ્ય સંપદા/તારા (૨)
તારા
લેખક : ચંદુલાલ દેસાઈ
(1882-1968)
તારા ! ધીમા ધીમા આવો,
તારા ! રમવાને સૌ આવો,
તારા ! રૂપા ગેડી લાવો,
તારા ! ધીમા ધીમા આવો.
તારા ! સંભાળીને આવો,
તારા ! એક પછી એક આવો,
તારા ! ચોરક ચાલે આવો,
તારા ! ધીમા ધીમા આવો.
તારા ! મોહક વદને આવો,
તારા ! આંખલડી પલકાવો,
તારા ! રસિયાંજન મલકાવો,
તારા ! ધીમા ધીમા આવો.
ગાતા મીઠાં ગીતો આવો,
વૃક્ષો તાળી દેશે આવો,
વાયુ ઝીલી લેશે લ્હાવો,
તારા ધીમા ધીમા આવો.
તારા થાકો ત્યારે જાઓ,
સાટે ચાંદાને તેડાવો,
તોયે હમણાં તો તમ આવો,
તારા ! ધીમા ધીમા આવો.
તારા, આવો, આવો, આવો,
તારા લોકડિયાં સમજાવો,
"નથી રડવામાં કૈં લ્હાવો,"
તારા ! ધીમા ધીમા આવો.