બાળ કાવ્ય સંપદા/દુનિયાની ચાવી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
દુનિયાની ચાવી

લેખક : કીર્તિદા બ્રહ્મભટ્ટ
(1958)

વાદળમાં નહીં કાણું મમ્મી તોય ટપકતું પાણી
ને ધરતી પર હરિયાળી આ ચાદર કોણે તાણી

આભમહીં રંગોની મમ્મી કોણ કરે છે લહાણી
ને પંખીના કંઠે મૂકી કોણે મીઠી વાણી

ઘન અંધારે ઝળહળ દીઠી આગિયા કેરી પાંખો
આ સૃષ્ટિને જોવા માટે કોણે દીધી આંખો

ફૂલોને ફો૨મ દીધી છે રંગ રૂપની સાથે
તાજ સમી કલગી શું દીધી મોરલિયાને માથે

દરિયામાં ઠલવાતી નદીઓ તોય ન એ ઊભરાય
મીઠા જળથી નાતો એને તોયે ખારો થાય

સદીઓથી ઊભેલા પર્વત આકાશે જઈ અડતા
એ પર્વતની ટોચથી ઊંચે પંખીડાં જઈ ચડતાં

મને કહોને કોની પાસે છે દુનિયાની ચાવી ?
રોજ રાતની બંધ દિશા દે અજવાળે ઉઘડાવી