બાળ કાવ્ય સંપદા/પંખીઓની નિશાળ
Jump to navigation
Jump to search
પંખીઓની નિશાળ
લેખક : કીર્તિદા બ્રહ્મભટ્ટ
(1958)
પંખીઓની નિશાળમાં સૌ દેખો ભણવા આવે,
રેત અને સાંઠીકડાં લઈને પાટીપેન બનાવે.
સઘળા અક્ષર પટપટ બોલી પોપટ પહેલો આવે,
કવિતા કેરા ગાનમાં સાથે કોયલડીને લાવે.
કલબલ કરતી કાબર સૌને ઘડિયા રોજ કરાવે,
કબૂતરને એ કોઈ દિવસ ના તોય બોલવું ફાવે.
મોર મજાનો કલગી પહેરી થનગન નાચ બતાવે,
તેતરનાં ટૂંકાં પગલાંમાં લચક જરાય ના આવે.
કાંકરા લઈને દાખલા ગણતો કાગડો સૌમાં એક્કો,
દરજીડો સીવણ શીખવામાં સૌને કરતો ટેકો.
પગલાં પાડી ચકચક કરતી ચકલી ચિત્ર બનાવે,
ઊંચીનીચી પાંખ કરાવી કસરત ઢેલ કરાવે.