બાળ કાવ્ય સંપદા/નાનો તોયે
Jump to navigation
Jump to search
નાનો તોયે
લેખક : સુરેશ દલાલ
(1932-2012)
નાનો તોયે ઘરમાં મારું કેવું મોટું માન;
મારી આગળપાછળ સઘળાં રાખે મારું ધ્યાન ! નાનો…
દાદીના મંદિરના મેવા,
સ્વાદ મહીં નહીં જેવા તેવા,
સૌથી પ્હેલાં મળે મને ને ઉપર પામું પાન ! નાનો...
મનને મારા બધા રિઝાવે,
ઘ૨ની બારી બહા૨ બતાવે;
જતી આવતી પોમ્ પોમ્ જોઈ જતો ભૂલી હું ભાન ! નાનો...
પ્હેરવાને રોજ નવી જ વાવા,
માગું તે તો મળતું ખાવા;
નાચકૂદ ને ભાંગફોડનાં ક૨વાનાં તોફાન ! નાનો...
મને ગમે બસ હરવુંફરવું;
પાણીમાં તો છબછબ કરવું;
દૂધ ચણાના લોટે કરતો દીકરો આ તો સ્નાન ! નાનો...
મારે માટે હાથી, મેના,
દડા, ભમરડા, વાનરસેના;
રંગરંગનાં રમકડાંની મેં માંડી દુકાન ! નાનો...
અલ્લડ ને હું અટકચાળો,
ધાર્યું તે તો ક૨વાવાળો;
ધિંગામસ્તી ખેલકૂદમાં મોજીલો મસ્તાન;
મમ્મી કહેતી : 'તારાથી તો તોબા રે ભગવાન !' નાનો…