zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/નીંદર રાણીને મનામણાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નીંદરરાણીને મનામણાં

લેખક : મકરન્દ દવે
(1922-2005)

હળુ હળુ પગલે કાં આવે ?
નીંદરરાણી, હળુ હળુ પગલે કાં આવે ?
તને મારો કાનો બોલાવે,
નીંદરરાણી, હળુ હળુ પગલે કાં આવે ?

ક્યાં રે ઊડે તારી પાતળી પાંખો ?
ટમકે દીવો તારા જાદુનો ઝાંખો ?
ખોળે થાકી મારા કાનાની આંખો
તોફાની કાં તલસાવે ?
નીંદરરાણી, હળુ હળુ પગલે કાં આવે ?

શેણે થાતી બાઈ, મારગે મોડી ?
વેગીલા વાયરે હાંકજે હોડી,
ગાલ ગુલાબીને ચૂમીઓ ચોડી,
 વ્હાલ ન કાં વરસાવે ?
નીંદરરાણી, હળુ હળુ પગલે કાં આવે ?

મીઠું મીઠું મારો બાળુડો મરકે,
ધીમેરી પાંપણ-પાંદડી ફરકે,
ઓરાં આવી આવી સોણલાં સરકે,
લાખ રૂપે લલચાવે,
નીંદરરાણી, હળુ હળુ પગલે કાં આવે ?

આવે નીંદરરાણી નાજુક નમણાં,
લાવે કુંવર કાજે સુંદર સમણાં,
બાળ મારો પોઢે જંપીને હમણાં,
માડીનું હૈયું હરખાવે,
નીંદરરાણી, હળુ હળુ પગલે કાં આવે ?