બાળ કાવ્ય સંપદા/પંખીઓનો આનંદ
Jump to navigation
Jump to search
પંખીઓનો આનંદ
લેખક : ગો. ક. દેલવાડાકર
(1869-1935)
(કુંડળિયા છંદ)
ડોલે તરુવર ડાળીઓ, પવન ઝુલાવે પાન,
ઊડે મનોહર પંખીઓ, ગાતાં સુંદર ગાન;
ગાતાં સુંદર ગાન, ધ્યાન ઈશ્વરનું ધરતાં,
કરતાં વને કલ્લોલ, રોજ આનંદે ફરતાં;
સંપે રે'તાં સાથ, પ્રીતનો પડદો ખોલે.
સુખિયાં પંખી રોજ, ડાળીઓ તરુવર ડોલે. ૧
કોઈ વનફળ ખાય છે, કો કણ ચણતાં જાય;
કોઈ ચૂસે છે ફૂલરસ, વનસ્પતિ કોઈ ખાય;
વનસ્પતિ કોઈ ખાય, જાય દોડી જળઘાટે,
સંપે સૌ મળી ના'ય, પછી વળતાં નિજ વાટે;
સાંજે પોઢે માળ, જંપતાં બાળક જોઈ,
ઊઠી મળસકે ધાય, ખાય છે વનફળ કોઈ. ૨
ફળ ઝૂલે ભલી ભાતનાં, મેવો વિધવિધ જાત,
પંખી સૌ પ્રીતે જમે, દીધો દીનાનાથ;
દીધો દીનાનાથ, પાક ખેતરમાં પૂરો,
ખાએ રાખી ખંત, ખૂટે નહિ માલ મધુરો;
ધરી સદા સંતોષ, પીએ નિત્યે જળ નિર્મળ,
આવી ઠરે નિજ ઠામ, ભલી ભાંતે ઝૂલે ફળ. ૩