બાળ કાવ્ય સંપદા/પીપરમીન્ટનું મકાન

પીપરમીન્ટનું મકાન

લેખક : હેમેન શાહ
(1957)

કોણે ? - ક્યારે ? - શા માટે ? - ની નથી કોઈને જાણ,
લીલી પીળી પીપરમિન્ટથી બાંધ્યું એક મકાન !

ટોફીના તો પાયા જેમાં ચોકલેટનાં નળિયાં,
એકસ્ટ્રા - સ્ટ્રોંગની દીવાલો ને પીપરના આગળિયા.

એક દિવસ તો તડકાનો કંઈ હતો ગજબનો તોર,
ટીપે ટીપે પીગળવા લાગી નળિયાની કોર.

ચંગુએ પીગળેલાં નળિયાંને ચાખ્યું પાસે જઈ,
‘ચોકલેટ છે ચોકલેટ’ ભૈ એવી બૂમાબૂમ થઈ.

છોકરાંઓને ખબર પડી કે અહીંયાં તો છે દલ્લો,
આવ્યો ચારે બાજુથી ત્યાં એક ગજબનો હલ્લો.

ઈંટ, લાકડું, હાથ જે લાગે સઘળું ગજવે ઘાલો,
રીંકુ, મીંકુ, રીતુ, સીતુ, મકાન ખાવા ચાલો !