બાળ કાવ્ય સંપદા/પૂછાપૂછ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પૂછાપૂછ

લેખક : કાન્તિ કડિયા
(1950)

ને દાદાજીને દાંત નહિ ને મોન્ટુને ના મૂછ,
નાનાં નાનાં ટેણિયાંઓ, કરતાં પૂછાપૂછ.

રોજ સવારે દાંત ઘસીને મોન્ટુ કરતો ચોખ્ખા,
દાદાજી શું ઘસે બિચ્ચારા એ તો થઈ ગ્યા બોખ્ખા !

હાથીભાઈની સૂંઢ લાંબી, ટૂંકી ટૂંકી પૂંછ,
નાનાં નાનાં ટેણિયાંઓ, કરતાં પૂછાપૂછ,

ધોળા ધોળા દાંત અને ધોળી ધોળી મૂછો
એકમેકની ઉંમર જુદી કાલા થઈ શું પૂછો ?

સૌથી પહેલાં દાંત ફૂટે, પછી ફૂટે મૂછ,
નાનાં નાનાં ટેણિયાંઓ, કરતાં પૂછાપૂછ.