બાળ કાવ્ય સંપદા/ફિલમ પાડવા બેઠા
Jump to navigation
Jump to search
ફિલમ પાડવા બેઠા
લેખક : રમેશ પારેખ
(1940-2006)
હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠા
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠા
મમ્મી પાસે દોરી માગી, પપ્પાની લઈ લૂંગી
પરદો બાંધી અમે બનાવી ફિલમ એની મૂંગી
દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ
એમાંથી ચાંદરણાં પાડ્યાં પરદા ઉપર પાંચ
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ
કાતરિયામાં છુપાઈને બેઠી'તી બિલ્લી એક
ઊંદરડીને ભાળી તેણે તરત લગાવી ઠેક
ઊંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેંય ગજાવી
દોડંદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા
ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધપ્પા.