બાળ કાવ્ય સંપદા/ફુગ્ગાભાઈ
ફુગ્ગાભાઈ
લેખક : નટવર પટેલ
(1950)
ગજવે બેઠા ફુગ્ગાભાઈને ફૂલવાનું મન થાય,
ફૂલીફૂલીને ઊંચે-ઊંચે ઊડવા એ લલચાય.
ધીમે રહીને પિન્ટુભાઈને કહેતા ફુગ્ગાભાઈ,
પિન્ટુભૈયા, મોંમાં લઈને હવા ભરોને કાંઈ.
પિન્ટુભૈએ ધીરે રહીને ફુગ્ગો કાઢ્યો બહાર,
મોંમાં મૂકી, ફૂંક મારતાં એને શેની વાર ?
ધીરેધીરે ફુગ્ગાભૈ તો મોટ્ટા મોટ્ટા થાય,
‘હજી વધારે હવા ભરોને....’ એવું કહેતા જાય.
પિન્ટુભૈએ જોર કરી જ્યાં ફૂંક વધારે મારી,
પટાક્ દઈને ફૂટી જઈ ફુગ્ગાએ ચીસ પાડી.
ગજવે બેસી ફુગ્ગા ભૈ તો રડતા છાનું-છાનું,
હાથ ફેરવી પિન્ટુ કહેતો; એમાં શું રડવાનું ?