બાળ કાવ્ય સંપદા/સપનું (૨)
Jump to navigation
Jump to search
સપનું
લેખક : નટવર પટેલ
(1950)
સપનું છાનુંમાનું આવે,
સપનું છાનુંમાનું જાય.
સપનું રાત પડે ને આવે,
સપનું સૂરજ ઊગે જાય.
સપનું પરી-પાંખ થૈ આવે,
સપનું જંગલ જંગલ થાય.
સપનું સાત સમંદર કૂદે,
સપનું પહાડ થૈ પથરાય.
સપનું વાદળ થૈને દોડે,
સપનું વાયુ થઈ લહેરાય.
સપનું સૂરજ થૈને ઝબકે,
સપનું ફૂલ બની મહેકાય.
સપનું પાતાળે જઈ પૂગે,
સપનું ચાંદરણું થઈ જાય.
સપનું મારું તારું ભેળું,
સપનું સહુને વહાલું થાય.