બાળ કાવ્ય સંપદા/ફૂલભંડારી
Jump to navigation
Jump to search
ફૂલભંડારી
લેખક : બાલમુકુન્દ દવે
(1916-1993)
આ સુંદર ખીલી વાડી છે,
આ બંદા એના માળી છે !
એ તાપે ખૂબ તપેલી છે,
આભેથી વરસે હેલી છે.
આ મઘમઘ થાય મટોડી છે,
મેં જાતે નીંદી-ગોડી છે.
આ ધરતી બહુ કસવાળી છે,
ચૂરમું ચોળેલી થાળી છે.
આ ખૂરપી ને કોદાળી છે,
આ ખાતર-ઢગલી વાળી છે.
આ મેં જ બનાવી ક્યારી છે,
માંય વાવ્યા ગોટ હજારી છે.
આ ચંપો ને ચમેલી છે,
આ જૂઈની વેલ ઝૂકેલી છે.
આ સૂરજમુખી ડોલી છે,
આ બોગનવેલ હિલોળે છે.
આ મધુમાલતી છાઈ છે,
આ શીતળ કુંજ રચાઈ છે.
આ બકુલઘટા શી જામી છે !
આ ડોલરમાં શી ખામી છે ?
આ ગુલાબની ગત ન્યારી છે,
એ સૌરભની ફુવારી છે.
આ પારિજાતની ડાળી છે,
એ દેવોતણી દુલારી છે.
આ કેવી ખીલી વાડી છે !
આ બંદા એના માળી છે !
આ માળીડો અલગારી છે,
આ જગનો ફૂલભંડારી છે !