બાળ કાવ્ય સંપદા/ઘડવૈયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઘડવૈયા

લેખક : બાલમુકુન્દ દવે
(1916-1993)

અમે સૌ એક માતના છૈયા,
અમે ભડ ભારતના ઘડવૈયા !

જે માટીનો દેહ ઘડાયો,
જેનાં પીધાં પાણી :
જેને ગૌરવ સ્મરણે જાગે
ભાવોની સરવાણી !
એને કેમ ભૂલીએ ભૈયા ?
અમે સૌ એક માતના છૈયા,
અમે ભડ ભારતના ઘડવૈયા !

ના કોનું ડિલ રહે ઉઘાડું,
ના કો ભૂખ્યું પોઢે :
ઊંચનીચના ભેદ ટાળશું,
ઝૂલશુ પ્રેમહિંડોળે !
અમે તારીશું ભારત નૈયા :
અમે સૌ એક માતના છૈયા,
અમે ભડ ભારતના ઘડવૈયા !

અમે પલાણી પાણીપંથો,
મેદાને સૌ પડશું :
સીમાડે જયકાર ગજવશું,
વિજય વરીને ફરશું !
અમે મધદરિયાના ખેવૈયા !
અમે સૌ એક માતના છૈયા,
અમે ભડ ભારતના ઘડવૈયા !