બાળ કાવ્ય સંપદા/બાબીબહેન
બાબીબહેન
લેખક : ચંદ્રવદન ચી. મહેતા
(1901-1991)
બબલી બેઠી બારણે,
ઢીંગલી મૂકી પારણે,
બબલીનું નામ બાબી,
હીરની દોરી લાંબી.
રોજ સવારે ના’તી,
બબલી બહુ હરખાતી,
હાલરડું એ ગાતી જાય,
આનંદે ઊભરાતી જાય.
‘હાલાં રે હાલાં !
બોલ બોલું કાલા;
બાબીબહેન તો વહાલી,
આપું એને વાળી.’
‘હાલાં રે હાલાં !
બાબીબહેન તો વહાલાં;
એ તો એવી સુંદર,
આપું એને કુંડળ.’