બાળ કાવ્ય સંપદા/બારીમાં આકાશ
Jump to navigation
Jump to search
બારીમાં આકાશ
લેખક : સુશીલા ઝવેરી
(1920-2007)
મારી ખારીથી દેખાતું આભ આખું;
આભ મારગ તારા ચીલો ચાતરી ચાલે.
નભ દરિયે રૂપેરી જાણે માછલી મ્હાલે;
રાતે સપનું દેખાય મને ઝાંખું ઝાંખું.
મારી બારીથી દેખાતું આભ આખું...
એ જ સપનાનો હું જ તો રાજકુમાર;
ને તેજીલા ઘોડા પર થાઉં અસવાર.
જતા આવતા ટોકે સૌ કોનું સાંખું ?
મારી બારીથી દેખાતું આભ આખું...
આભે આંખથી સૂરજ ને ચાંદ ચીતરું;
મને ગમે કોણ જાણે કેમ અળવીતરું.
અરે, ચીતરેલા કૂકડાને ચણ પણ નાંખું;
મારી બારીથી દેખાતું આભ આખું...
હું ધરતીની સોહમનો સ્વાદ ચાખું;
વીણું વરસાદી ઝરમરનું મોતી ખાખું.
હું તો આંખથી નેવાને પકડી રાખું;
મારી બારીથી દેખાતું આભ આખું...