બાળ કાવ્ય સંપદા/શું શું ગમે ?

From Ekatra Foundation
Jump to navigation Jump to search
શું શું ગમે ?

સુશીલા ઝવેરી
(1920-2007)

તારું દીધું કુદરત મને સઘળું ગમે;
તારાં નિત નવાં રૂપ મારા મનમાં રમે

કહું શું શું ગમે ?



પેલી વરસંતી વાદળીમાં ન્હાવું ગમે;
એની ઝીણી ઝરમરમાં ભીંજાવું ગમે

કહું શું શું ગમે ?



વળી સૂરજના સોને રસાવું ગમે;
એનાં કોમળ કિરણોમાં ભીંજાવું ગમે

કહું શું શું ગમે ?



વળી વેલડી ને વૃક્ષોને મળવું ગમે;
થઈ પતંગિયાં ફૂલ ફૂલ ભમવું ગમે

કહું શું શું ગમે ?



મોટા સાગરે તરંગ થઈ રચવું ગમે;
બની ઊછળતી નાવ મને નાચવું ગમે

કહું શું શું ગમે ?



ઊંચા ડુંગરની ટોચ મને ચડવું ગમે;
ઘણી અણજાણી કેડીએ રખડવું ગમે

કહું શું શું ગમે ?



આભે પંખીની જેમ સદા ઊડવું ગમે;
ચાંદ તારલીની જેમ નભે ઘૂમવું ગમે

કહું શું શું ગમે ?