બાળ કાવ્ય સંપદા/ભાવનગરના ભોગીકાકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ભાવનગરના ભોગીકાકા

લેખક : નિર્મિશ ઠાકર
(1960)

ભાવનગરના ભોગીકાકા જોવા ચાલ્યા જામનગર
જાડાં જાડાં જોડાં પહેરી ભાગ્યા એ તો ભાન વગર !
ખાડા આવે ટેકરા આવે, કરતાં ખોટી ચડ-ઊતર
ઊંચો-નીચો ઊછળે થેલો, ઊંચી-નીચી થાય કમર !

ચાલે એ તો સટરપટર
પૂછે સૌને, કયું નગ૨ ?
જડે નહીં રે જામનગર
જોતા એ તો ટગરમગર

ભાવનગ૨ના ભોગીકાકા ચશ્માં પહેરે કાચ વગ૨ !
ફાંફાં મારે, ડોળા કાઢે, ઊંચી તાણ્યે જાય ભમર !

આમ નજર, તેમ નજર
જોતા એ તો કામ વગર
આમ નજર, તેમ નજર
પડે કશી ના તોય ખબ૨ !

ભૂલીને ભટકાયા એ તો પડ્યા બિચારી ભેંસ ઉપ૨ !
ભેંસ કહે કે કાકા, આ તો ફરીથી આવ્યું ભાવનગર !
ભાવનગરના ભોગીકાકા જોવા ચાલ્યા જામનગર
જાડાં જાડાં જોડાં પહેરી ભાગ્યા એ તો ભાન વગર !