બાળ કાવ્ય સંપદા/મને કહોને

મને કહોને

લેખક : પ્રીતમલાલ મજમુદાર
(1900-1991)

મને કહોને પરમેશ્વર કેવા હશે !
ક્યાં રહેતા હશે, શું કરતા હશે !

ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજ ને
તારાને ગૂંથનાર કેવા હશે ! મને કહોને...

આંબાની ઊંચી ડાળી ચડીને,
મોરોને મૂકનાર કેવા હશે ! મને કહોને...

મીઠા એ મોરોના સ્વાદ ચખાડી,
કોયલ બોલાવનાર કેવા હશે ! મને કહોને...

ઊંડા સાગરનાં મોજાં ઉછાળી,
ઘૂ ઘૂ ગજાવનાર કેવા હશે ! મને કહોને...

મનેય મારી માડીને ખોળે,
હોંશે હુલાવનાર કેવા હશે ! મને કહોને...