બાળ કાવ્ય સંપદા/મને હું બહુ ગમું!

મને હું બહુ ગમું!

લેખક : મકરન્દ દવે
(1922-2005)

મારા જીવના સમ! મને હું બહુ ગમું.

નાનો નાજુક એક બાની નજરમાં,
આળસુનો પીર ભલે આખા હું ઘરમાં,
છેલ્લે મહેતાજીના છો રજિસ્ટરમાં,

પહેલો પણ પાટલે હું બેસી જમું!
મારા જીવના સમ! મને હું બહુ ગમું!

મારાં વખાણ કાંઈ કર્યાં કરાય છે?
ઊગ્યા ન ઊગ્યા ત્યાં તો ઓળખાય છે,
પેંડાના ડબરામાં ખાલી દેખાય છે,

માધાની મા જેવો ડાહ્યો રમું!
મારા જીવના સમ! મને હું બહુ ગમું!

નાનકડા ચોકવાળી અમારી શેરીએ,
બજરંગી ઓટલે, કે માદેવની દેરીએ,
ટોળું વળીને જ્યારે એકમેક ઘેરીએ,

ભેરુની સાથે અહો! ક્યાં ક્યાં ભમું!
મારા જીવના સમ! મને હું બહુ ગમું!