બાળ કાવ્ય સંપદા/મા
Jump to navigation
Jump to search
મા
લેખક : રશીદ મુનશી
(1939)
તું જો મા ફૂલ,
તો હું તારી મીઠી ફોરમ;
સમીર સંગે સરીને
જગ આખું મ્હેકાવું.
તું જો મા નદી,
તો હું તારું વહેતું જળ;
ખળખળ... વહી, કાંઠા,
લીલાછમ બનાવું.
તું જો મા વર્ષા-વાદળી,
તો હું તારું ઝરમર ફોરું;
ઝરમર ઝરમર ઝરીને
તરસ્યાની તરસ છિપાવું.
તું જો મા ધરતી,
તો હું તારી રજરજ માટી;
કણમાંથી મણમણ ધાન,
ખેતરખેતર નીપજવું.
મા તારા ખોળે ખીલ્યું બાળક–ફૂલ
યાદે તારી આલાપે શૈશવ કેરું ગીત પ્રફુલ્લ