બાળ કાવ્ય સંપદા/મારે જાણવું છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મારે જાણવું છે

લેખક : ‘સ્નેહરશ્મિ’ ઝીણાભાઈ રતનજી દેસાઈ
(1903-1991)

દુનિયા આખીમાં મારે છે
ઘણું ઘણું જોવાનું,
અહીંયાં બેસી રે'તાં મારે
શું શું નહિ ખોવાનું !
ધરતીનો છેડો છે ક્યાં ને
સૂરજ આવે ક્યાંથી ?
કોયલ કાળી, પોપટ લીલો,
બગલો ધોળો શાથી ?
શિયાળે ઠંડી છે શાને ?
ગરમી કેમ ઉનાળે ?
ચોમાસામાં ગાજવીજ શેં ?
તણખો શાથી બાળે ?
આવું આવું ઘણુંક મારે
ભણવાનું હજી બાકી,
લીલી કેરી પીળી પડતાં
કેમ મનાતી પાકી ?
ચાર પગે કેમ પશુઓ ચાલે ?
પંખીને કેમ પાંખો ?
આવી દુનિયા જોવા મુજને
દીધી કોણે આંખો ?