બાળ કાવ્ય સંપદા/મારે જાવું છે

મારે જાવું છે

લેખક : જગદીશ ધ. ભટ્ટ
(1937-2019)

મારી આંખમાં સમણાં અપાર, જોવી છે ભોમકા,
મારે જાવું છે દરિયા પાર, જોવી છે ભોમકા.

દૂર દૂર જોવા માટે રણના પ્રદેશને,
ઊડવું આકાશ જોવા તારલાના દેશને.
મને ફરવાની ટેવ છે અપાર, જોવી છે ભોમકા,
મારે જાવું છે દરિયા પાર, જોવી છે ભોમકા.

જંગલમાં ઝાંડવાં ને જોવાં છે ડુંગરો,
કુદરતના ખેલ જેવાં જોવાં છે કોતરો.
મારી આંખ ના થાકે લગાર, જોવી છે ભોમકા,
મારે જાવું છે દરિયા પાર, જોવી છે ભોમકા.

સૂરજને આંબવાની હામ જરી આપતાં,
ચાંદાની સાથમાં રમવાને આવતાં.
મને ઊડવાની લાગણી અપાર, જોવી છે ભોમકા,
મારે જાવું છે દરિયા પાર, જોવી છે ભોમકા.