બાળ કાવ્ય સંપદા/લખી છે ટપાલ
લખી છે ટપાલ
લેખક : ધર્મેન્દ્ર પટેલ
(1969)
પપ્પા, મેં તો મારા નામે લખી છે ટપાલ,
આજ કરી છે પોસ્ટ એ તો મળશે મને કાલ.
પપ્પા, મેં તો મારા...
શરૂઆતમાં મેં કર્યા છે સૌને ઝાઝા પ્રણામ,
પૂજ્ય પિતાને નમન કરી, માતાજીને જાણ.
નાનકડી બ્હેનીને મેં તો લખ્યું ઘણું વહાલ.
પપ્પા, મેં તો મારા...
શિખામણના બોલ બે, લખ્યા છે ટપાલે,
ભણી-ગણીને આગળ વધજે, દુનિયા તારી કાલે,
ડગમગતા રસ્તા ઉપર, ચાલો મક્કમ ચાલે.
પપ્પા, મેં તો મારા...
કાગળને અંતે સૌને મેં, આપી પ્યારી યાદ,
લિખિતંગમાં નામ લખીને, હરખે કીધો સાદ,
ખુદને લખી ટપાલ, મેં તો ખૂબ કરી કમાલ.
પપ્પા, મેં તો મારા...