બાળ કાવ્ય સંપદા/વહાલી વસંત

વહાલી વસંત

લેખક : યોસેફ મેકવાન
(1940-2021)

ટહુકાની આવી ટપાલ !
કાળી કોયલ પણ કંઠ છે કમાલ,
ટહુકાની આવી ટપાલ !

ઝાડ બધાં ઝૂલે રે,
રંગ લીલો ખૂલે રે;
આમતેમ દોડતો –

વાયરો કરતો ધમાલ !
ટહુકાની...



કોણે આ રંગિયાં,
ઊડતાં પતંગિયાં;
જોઈ મને થાય કે -

લહેરે છે ધરતીનું વહાલ !
ટહુકાની...



તડકાને તાલી દઈ
ઠંડી સંતાઈ ગઈ;
સાંજ ને સવારમાં

ફરકે સુગંધનો રૂમાલ !
ટહુકાની...