બાળ કાવ્ય સંપદા/વાનરભાઈની જાન
Jump to navigation
Jump to search
વાનરભાઈની જાન
લેખક : યોસેફ મેકવાન
(1940-2021)
વાન૨ભાઈની જાન નીકળી
બિલ્લી નાચે આગે,
રીંછભાઈને હાથે ઢોલક
ઢમ ઢમ ઢમ ઢમ વાગે.
હોંચી હોંચી કરે ગધેડાં
બકરાં થૈ થૈ થાતાં,
ગલૂડિયાંઓ ગેલ કરે ને
કૂતરાં વાઉ વાઉ ગાતાં.
અલકાતા મલકાતા ચાલે
વચ્ચે હાથીભાઈ,
સૂંઢની શ૨ણાઈ બજાવે
લાગે નવી નવાઈ !
ઊંટભાઈનાં અઢાર વાંકાં
ઊંચા નીચાં થાતાં,
જાનૈયાઓ જાનમાં મ્હાલે
હરખભર્યા મદમાતા.
કાગ, કાબરો, ચકલાં, સમડી
કલબલ કરતાં ભાળે,
વાંદરીબાઈ સજીધજીને
ઝૂલે ઉપર ડાળે.