બાળ કાવ્ય સંપદા/શિવાજીનું હાલરડું

શિવાજીનું હાલરડું

લેખક : ઝવેરચંદ મેઘાણી
(1894-1947)

આભમાં ઊગેલ ચાંદલો ને
જીજીબાઈને આવ્યાં બાળ,
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે !
શિવાજીને નીંદરું નાવે
માતા જીજીબાઈ ઝુલાવે.
પેટમાં પોઢીને સાંભળેલી બાળે
રામ લખમણની વાત,
માતાજીને મુખ જે દિ’થી

ઊડી એની ઊંઘ તે દિ’થી
– શિવાજીને૦



પોઢજો રે મારાં બાળ !
પોઢી લેજો પેટ ભરીને આજ,
કાલે કાળાં જુદ્ધ ખેલાશે

સૂવા ટાણું ક્યાંય નૈ રે’શે
– શિવાજીને૦



ધાવજો રે મારાં પેટ !
ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ,
રે’શે નહિ રણઘેલૂડા !

ખાવા મૂઠી ધાનની વેળા
– શિવાજીને૦



પે’રી ઓઢી લેજો પાતળા રે !
પીળાં લાલ પીરોંજી ચીર,
કાયા તારી લોહીમાં ના’શે

ઢાંકણ તે દિ’ ઢાલનું થાશે
– શિવાજીને૦



ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી
ફેરવી લેજો આજ !
તે દિ’ તારે હાથે રે’વાની

રાતી બંબોળ ભવાની
– શિવાજીને૦



લાલ કંકુ કેરા ચાંદલા ને
ભાલે તાણજો કેસર-આડ્ય,
તે દિ’તો સિંદોરિયા થાપા

છાતી માથે ઝીલવા બાપા
– શિવાજીને૦



માતાપિતા ચોડે ચૂમીઓ રે બાળા !
ઝીલજો બેવડ ગાલ
તે દિ’ તારાં મોઢડાં માથે

ધૂંવાધાર તોપ મંડાશે
– શિવાજીને૦



આજ માતાજીની ગોદમાં રે
તુંને હૂંફ આવે આઠ પો’ર,
તે દિ’ કાળી મેઘલી રાતે

વાયુ ટાઢા મોતના વાશે
– શિવાજીને૦



આજ માતા દેવી પાથરી રે
કૂણાં ફૂલડાં કેરી સેજ,
તે દિ’ તારી વીર – પથારી

પાથરશે વીશ ભુજાળી
– શિવાજીને૦



આજ માતાજીને ખોળલે રે
તારાં માથડાં ઝોલે જાય,
તે દિ’ તારે ઓશીકાં

મેલાશે તીર બંધૂકાં
– શિવાજીને૦



સૂઈ લેજે મારા કેસરી રે !
તારી હિંદવાણું જોવે વાટ
જાગી વે’લો આવ બાળુડા !
માને હાથે ભેટ બંધાવા.
જાગી વે’લો આવજે વીરા !

ટીલું માના લોહીનું લેવા
– શિવાજીને૦