બાળ કાવ્ય સંપદા/સૂરજદાદા
Jump to navigation
Jump to search
સૂરજદાદા
લેખક : સુધીર દેસાઈ
(1934)
સવાર બોલે કૂકડે કૂક, કૂકડો ઊંચે જુએ...
સૂરજદાદા આવી આખું કાળું આભ ધુએ...
આભેથી તારાઓ આવી જમીન ૫૨ વરતાયા;
બોરસલી ને પારિજાત આ ટગર બની પથરાયા.
ઘુવડ પેલું ત્યાં બિચારું બખોલમાં જઈ સૂએ...
સૂરજદાદા આવી આખું કાળું આભ ધુએ....
કચ કચ કરતાં ચકલા-ચકલી, કોયલ ગાયે કુહૂ;
કલબલ કરતી. કાબર ઝઘડે, પોપટજીનું ઊંહું.
કા કા કરતા કાગાભાઈ લુચ્ચું ખંધું જુએ....
સૂરજદાદા આવી આખું કાળું આભ ધુએ...
કૂણા કૂણા તડકા મહીં આ પતંગિયાંની ટોળી,
ફૂલ ફૂલ પર બેસી એ તો મધને લેતી ખોળી.
અંધારાના દરની માટી અળસિયાંઓ ખુએ...
સૂરજદાદા આવી આખું કાળું આભ ધુએ...