બાળ કાવ્ય સંપદા/સૂરજનું શમણું
Jump to navigation
Jump to search
સૂરજનું શમણું
લેખક : લેખક : હસમુખ શાહ ‘બેઝાર’
(1945)
આજ સૂરજને શમણું આવ્યું કે કાલે ઊગવાનું નથી;
સાત અશ્વને રથમાં જોડી પૂરબમાં પૂગવાનું નથી.
તુરંત તસોતસ તાણો ઢોલિયા પરોઢિયે ઊઠવાનું નથી;
સૂરજમુખી ઉગમણી દિશામાં પ્રભાતે ખીલવાનું નથી;
સાત સમંદર પાર બેટમાં જનમ જનમનો ભેરુ છે;
ઉદયાચળ પર્વતની ટોચે સાવ સોનાનું દે’રું છે.
ટાવરના ડાયલના બદલે ધોળી ધજા પર ઝૂલીશું;
મંદિરમાં જઈ આરતી ટાણે કૂકડાનો કકળાટ ભૂલીશું.
ધુમ્મસની ચાદર ઓઢીશું ડાબે પડખે પોઢીશું;
આથમણે દેખાતા દર્પણમાં ચાંદાને સૂઝવાનું નથી.
પરોઢથી કિરણોનું ઊંજણ તડકાને ઊંજવાનું નથી;
ઊર્જાને ઉષ્માનું ઉખાણું માનવથી બૂઝવાનું નથી.