બાળ કાવ્ય સંપદા/હરણાં
હરણાં
લેખક : અમૃતલાલ પારેખ
(1904-1990)
સુંદર વનમાં વસતાં હરણાં,
ઝરણાંનાં જલ પીતાં હરણાં,
લીલાં તરણાં ચરતાં હરણાં,
અદ્ભુત રમણા કરતાં હરણાં !
હેતભર્યાં શાં હીંચે હરણાં !
રંગભર્યાં શાં નાચે હરણાં !
દર્શનથી દિલ ખેંચે હરણાં,
અંતરમાં ૨સ સીંચે હરણાં !
વ્હાલાં ઓ મનહરણાં હરણાં !
છે નાજુક ને નમણાં, હરણાં !
લહાવો વનનો લાવો, હરણાં !
રમવા આંગણ આવો, હરણાં !