બાળ કાવ્ય સંપદા/હો ખેડુ !

હો ખેડુ !

લેખક : જતીન્દ્ર આચાર્ય
(1916-1998)

પ્યારી ધરતીનાં ખેતર ખેડવાં રે !
ખેડવાં જંગલ-ઉપરવાસ,
મેલવા કો’દી’ના ઊના ઉસાસ.
હો, ખેડુ ! અમરતની આપણી વાવણી રે !

ધિંગા ધોરી બે આપણાં બાવડાં રે
જોતર્યાં ધૂંસરે હૈયા-હામ,
સતને ડચકારે હો રામ,
કે, કાળના કોસની લલકારો લાવણી રે !

રત-અનરત જુગ જુગથી ઝૂઝતાં રે !
ઝૂમતાં અમરત ઉપર મોત,
જેવાં મોલને માથે કપોત.
કે, નેહની નવતર નાંખો છાવણી રે !