બાળ કાવ્ય સંપદા/હરિવરનાં હથિયાર

હરિવરનાં હથિયાર

લેખક : જતીન્દ્ર આચાર્ય
(1916-1998)

બાળુડાં તમે હરિવ૨નાં હથિયા૨,
ભોળુડાં તમે હરિવ૨નાં હથિયા૨.
મલક મલકથી હરતાં ફરતાં, કરતાં કિલકિલ હાસ,
રમતાં જમતાં સહુને ગમતાં, અવલ ધવલ ઉલ્લાસ.
બાળુડાં તમે આનંદના અવતાર,
ભોળુડાં તમે હરિવરનાં હથિયાર.
ધરતીના તારલિયા ઝગમગ, મઘમઘ સૂરજ-સોમ,
ઘૂઘવતા સાગરનાં સર્જન, મબલખ અમરત ભોમ.
બાળુડાં તમે અગમ નિગમ કરના૨,
ભોળુડાં તમે હરિવરનાં હથિયાર.
પરીઓની પાંખે ઊડનારાં, મેઘ-ધનુષ ટંકાર,
વીજળીના ચાબુક ચગાવી, અવકાશે ફરનાર.
બાળુડાં તમે આતમના અસવાર,
ભોળુડાં તમે હરિવરનાં હથિયાર.
અતીતના ઉચ્છેદ તમારા કોમળ કરથી થાશે,
ભાવિનાં અણઊકલ્યાં સપનાં હૃદય હૃદય અંકાશે.
બાળુડાં તમે સર્જન-પારાવાર,
ભોળુડાં તમે હરિવરનાં હથિયાર.