બિપિન પટેલની વાર્તાઓ/૧. દશ્મન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧. દશ્મન

ગોમતીબાના ઘરમાં આજે સવારથી ધમાલ છે. બધા દીકરા, દીકરી બપોર સુધીમાં આવી પહોંચશે. ગોમતીબા ખાટલામાં બેઠાં બેઠાં બદામપીસ્તાં સુધારતાં સુધારતાં હુકમો છોડ્યે જાય છે. અનુભાઈનાં પત્ની તૃપ્તિબહેન હુકમો ઝીલતાં હા બા, હા બા કરે છે. હુકમ છૂટ્યો, વહુ જાયફળ તો ભૂલી જઈ. લાય તૈંણ ચાર વાટીન રાશીએ નકર છેલ્લે હાઉશ પડશ્યે. – બા, ત્રણચાર જાયફળ વધારે નહીં પડે? – ના પડ. તન શી ખબર પડ તંબાલા? જાયફળ હારી ગોડે નોશ્યોં હોય તો છોકરોં ન મોટોંન દૂધપાક હૂંહરો નો પડ. છાપું વાંચતા અનુભાઈ છાપામાંથી મોં બહાર કાઢતાં બોલ્યા, તું યે સમજતી નથી. બાને બધું વધારે અને મોટું જ ગમે. તપેલું તો કે મોટું, દૂધપાક તો કે ત્રણમણ દૂધનો. બા તો હલાનાં માણસ. બા બોલ્યાં, ભઈ, બધોં ન કહેવરાઈ દીધું છ ન? મોટા ભાઈ, આનંદીબુન, તારા કાકા અને ફઈ? — હા, બા. કહેવડાવ્યું છે. બધાં સમયસર આવી જશે. લ્યો, આ મોટા ભાઈ આવ્યા. – ભઈ, બધું કહોરશ્યમ છે ન? શેતીમોં હારુ છ ન? વરહાત આ ફેરા મન મેલીન વસ્યોસ, ખરુંક નઈ? શીમ આયો ભઈ, બલોલવારી બસમોં? ગોમતીબાએ એકસામટા પ્રશ્નો પૂછી નાખ્યા. – ના ના, મારી દિયોર બસ ચિક્કાર હતી. ઊભી જ ના રઈ. જીપમોં લટરીન આયો. પાછી જોડે આ ગોંહડી, અસ્ત્રી જોણીન વરી કોક દયારુએ મગતાશ કરી આલી. પણ મારી તો કેડ્યોય રહી જઈ. આ વા વારા પગેય ઝલઈ જ્યા. મોટા ભાઈએ જવાબ વાળ્યો. – સાલી આ દેશની ટ્રાન્સપોર્ટ ફેસીલીટી એકદમ પુઅર છે. માણસોને, શી ખબર, શું ગણે છે! આપણે એને જ લાયક છીએ. નહીં દાદ-ફરિયાદ, પછી ઊંઘણશી સરકાર શી રીતે જાગે? ભાભીની તબિયત સારી નથી. તે મને કહેવડાવ્યું હોત તો ગાડી ન મોકલત? અનુભાઈએ ભણેલાની ભાતે વાત કરી. – હમ ભઈ, તન વખત છ ન ટેમ નો હોય. પાછો મોટર લઈ જવાનું કહીએ તો તપી જોંય. ગોમતીબા ધીમા સૂરે બોલ્યાં. – હા ટેન્શન હોય છે ત્યારે એવું પણ થાય છે. તમને ખબર છે ઑફિસમાં મને મળવા લાઈન લાગે છે તે? તમારે ઠીક છે. તમને શી ખબર પડે હું કેટલો બિઝી હોઉં છું! અનુભાઈ સહેજ તોરમાં આવી ગયા. – હા ભઈ, હા. તાણ હમ, જોસની દૂધપાક હલાબ્બા મોંડ. મારી કાશીન દૂધપાક બહુ ભાવ. કાશી આવ તોં હુધી દૂધપાક પતાઈ દઈએ. દાર ન શાક કાશી બનાવશી. ઈમ કોઈનો ગજ નો વાગ. કાશીની દાર એટલ કાશીની. તારા બાપાનય ઈની દાર બઉં ભાવતી.

બધાં આવી ગયાં. રસોઈ તૈયાર થઈ ગઈ. જમવાની બધી તૈયારી થઈ ગઈ. અનુભાઈએ બધાંને જમવા ઊઠવા કહ્યું. ત્યાં જ આનંદીબહેનને બાપાની કેસેટ સાંભરી એ બોલી, બાપાને સંભાર્યા વિના સીધાં જમવા? – એમાં શું ખાટુંમોળું થઈ જવાનું છે? જમ્યા પછી સાંભળીશું. એની એ જ વાત સાંભળવાની છેને? અનુભાઈ ઊભા થયા. – કેમ એમની યાદમાં તો આ બધું – કહેતાં આનંદીબહેનને અધવચ્ચે રોકતાં અનુભાઈએ પતાવ્યું, સારું સારું. તો એમ કરો, પહેલાં કેસેટ સાંભળી લઈએ. – છોકરોંન પહેલોં બેહારી દો ભઈ, તારા બાપા બાળારાજાન જમાડ્યા વના નતા જમતા. ગોમતીબાએ કહ્યું.

અનુભાઈને કેસેટ પતાવી દેવાની ઉતાવળ હોય એમ બાપાની લીધેલી મુલાકાત અને બાપાના અવાજવાળો ભાગ ફાસ્ટ ફોરવર્ડ કરી કુટુંબીજનોએ બાપા વિશે કહેલી વાતથી શરૂ કર્યું. અનુભાઈ બાપા વિશે બોલતા હતા : બાપા ન હોત તો આજે જે સ્થિતિએ છું ત્યાં પહોંચવું મારે માટે બિલકુલ શક્ય ન હતું. મોટા ભાઈએ તો એ વખતે કહેલું, જાતે રળો ન ભણો. અમારામોં તમન ખવરાવવાનું ન ભણાબ્બાનું જોર નહીં. બાપા તરત બોલી ઊઠેલા, ઈના ભાગની મજૂરી હું કરે. ભઈ, ઈન ભણવા દયો. ભણશે તો ઈનું ભાયગ ઊઘડશે. ભણશ્યે તો તમારા કોમમોંય આવશ્ય ભઈ, એટલે આજે જ્યાં છું એ બાપાને કારણે. બાપાનું ઋણ તો શી રીતે અદા કરી શકાય પણ – – હોવ ભઈ હોવ. તમારા રૂડા પરતાપ તે ઓમ હંભારોસો તો ખરા. ખુશીમાં મલકાતાં ગોમતીબા બોલ્યાં. આનંદીબહેનની વાત શરૂ થતાં પાછાં બધાં એકધ્યાન : મારી સગાઈ કરતાં પહેલાં છોકરાને જોવાનો મારો આગ્રહ. એ વાત પર બા અને વડીલો મારા પર તૂટી પડ્યાં હતાં, ચ્યમ? છોકરું હારું છ. અમે બધું વિચારીન કર્યું છ. અમે કોંય તારોં દશ્મન છીએ? બાપાએ બધાંને સમજાવ્યું હતું, જોવો, કાશી વખતે ફોટો જોઈન નક્કી કરેલું. એ ફેરા હું દાદા હોમું નતો બોલ્યો. અમારો જમાનો જ એવો, હુંના ફફડીએ. પણ હમનો વાસ્તો જુદો સ. ઈમ છોડીન કૂવામોં નો નખાય. ઈન ઠીક પડ તો હા, નકર ના. – હમ મારી કાશી બોલીશી. ઈના બાપા જેવી ખાનારી જબરી, કહેતાં ગોમતીબાને અનુભાઈએ ઇશારાથી ચૂપ રહેવા કહ્યું : બાપા પરસંગ ધુમાડબંધ કર. પણ ઓમ બઉ ઝેણા જીવના. એક ફેરા ઘઉંનો વાટકો ભરીન રોયણો લાઈ. તે દાડે બાપા શેતરમથી ઘેર વહેલા આયા. રોયણ જોતાંવોંત બૂતાર્યા, મેર નરધન. આ હોના જેવા ઘઉં આલીન રોયણો લાઈ? ઘોઘરો બહુ પહોરો થઈ જ્યો લાગસ, ચીઈ ફાયેથી લાઈ? નાથી ફાયેથી? લે હેંડ, કહીને નાથીને ધમકાઈન ઘઉં પાછા લીધેલા. બીજી ઘડીએ પાછું કોંય નહીં. બધું ઘેર બનાવો ન ખોવ. લે આજે કોંક ગળ્યું રોંધ, કહેતાં બેઠા. એ દાડે માલપુવા કર્યા. માલપુવા ઉપર દાર ચડાઈન એવા ટેસથી ખાય. ખાતોં ખાતોં બોલ, કાશી તારા હાથમ પદમ સ. જે રોંધ એ હારું જ થાય. – હમ મારો ભોરો રાજા, ઈના બાપાનાય બહુ વહાલો હતો. એમ ગોમતીબા બોલ્યાં કે મોટા ભાઈની વાત શરૂ : બાપાનો કડપ ભારે પણ કોક વાર હહાડ્ય ખરા. જબાપ તો એવા આલ ક વકીલન ગોથોં ખવરાવ. એક દાડો બજારમ બેઠેલા. વાતો એવી જામેલી કે એક વાજ્યો તોય ઘેર ખાવા નઈ આયેલા. બા બરાબર અકરાયોંતોં. અડદની દાર અન રોટલા કરેલા. બાપાન બહુ ભાવ. ચ્યોં હુધી ઝાલીન બેહી રહીએ, કહેતાં બાએ તગેડ્યો, જા તારા બાપાન બોલાઈ આય. કીજીયે નળો ભરવા ચાણ આવશો? મીયે બજારમ જઈન પાધરું બાપાન ઓમ કીધું. બાપાનો જબાપેય તરત : તું ન તારી બા, ફાવ તો એકલોં ભરી લ્યો. નકર હમણ હું આવુસુ. તૈણેય હંગાથે ભરીશ્યુ. જ્યોત્સ્ના અને તૃપ્તિબહેન અહોભાવથી સાંભળી રહ્યાં. જ્યોત્સ્નાએ છેલ્લે બાપાની સેવા કરી હતી. એનાં લગ્ન પછી થોડાં વરસોમાં બાપા ગુજરી ગયા હતા. ગળાનું કેંસર. ખાવાના શોખીન બાપાને અંતકાળે પાણીય નહોતું ઊતરતું એટલે કેંસરથી નહીં, ભૂખે મરી ગયા હતા. કેસેટ પૂરી થયાનો કટ્ટ અવાજ આવ્યો પણ બધાંને બાપાનો અવાજ સંભળાયો, – હોંભરો સો? રહાની બૈણી કાશીબૂનના તોંથી લાયોં? – વહુ, મુઠીયોં તર્યોં કે નઈ? – કાશીબુનની દાર એટલ કાશીબૂનની. અનુભાઈ સફાળા ઊભા થઈ કેસેટ પ્લેયર તરફ ગયા. કેસેટ પૂરી થઈ ગઈ હતી. તો પછી, બાપાનો અવાજ ક્યાંથી? એટલામાં – ભઈ, એ તો ભણાઈગણાઈન મોટા કર્યા એક બધું. – અલ્યા, આ તો જોસની બોલ છ! ગભરાયેલાં ગોમતીબા બોલ્યાં. – હું-અ-ન આ તો જોસનીન બાપા આયા. નકર આવી આ બાપ જન્મારામોંય આવું બોલ? મોટા ભાઈએ સૂર પુરાવ્યો. અનુભાઈ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા. એમને થયું, જ્યોત્સ્નાભાભી આવું બોલે છે એ નવાઈ તો કહેવાય. કેમ બા, બાપા પહેલેથી ખાવાપીવાના શોખીન ખરા જ ને! ગમે એ મહેમાન હોય, એ – લાપશી ઓરજો. ખેતરેથી થાકીને આવ્યા હોય તો, લે તાણ તુયે થાચી હશે. શીરો હલાઈ નોખ એક પત્યું. લહલહતો શીરો અન દારભાતમોં રહો વેડીશુઃ શાક વનાયે એ તો હેંડશે. બહુ કામ ન કરવાની સલાહ આપું ત્યારે કહેતા, આ બધું તમારા ઓલે, માર ચ્યોં બોંધીન લઈ જવું સ? મેનત કરીન બચાઈશુ એ તમારા ઓલે. બેઠા બેઠા શ્યુ તાજા થવાના? કોમ કરીએ તાણ તમારી બોયડી બે પોંદડે થઈ છ... જ્યોત્સ્નાભાભી એમની સાથે રહેલાં એટલે આમ બોલે છે. મોટા ભાઈને યાદ આવ્યું, જોસની ઘણી ફેરા બપોરે ઓમ બબડતી. બાપા મરી જ્યા ચેડ તો ખાસ. મન ઈમ કે આ થોડું અહળગંડુ છ તે ઓમ બોલસ. અને બાપા મોંદા હતા તાણ ફાયે ન ફાયે રહીતી તે ઓમ બોલતી હશે. એમણે કહ્યું, બા પહેલોં જોસની કોક ફેરા ઓમ બોલતી’તી, પણ મન ઈમ ક ઈમ કોંય સિરિયેશ નહીં, તે તમન નતુ કીધુ. આ સાંભળતાં ગોમતીબાએ કહ્યું, ભઈ તાણ તો દાક્તરથી મેળ નઈ પડ. ભુવો બોલાબ્બો પડશે. ચીયા ગોમનો ભુવો બોલાઈશ્યુ? રોંચેડાવાળો કે પછી ઈહનપરવાળો? – રોંચેડાવાળો ઠીક રેશે. જે કોંય હોય ઈન મારી કુટીન કાઢી મેલશ્યે મોટા ભાઈ બોલ્યા. ગોમતીબાને થયું, ભૂત ક જન હોય તો મારી કુટીન કાઢી મેલાય. આ તો મોણહ જેવા મોણહન ભૂલી જ્યા અન કાઢી મેલવાની વાત્યો! હોય ભઈ હોય – જમોનો જ રાશી થઈ જ્યો છ તાણ કુન કઈએ? અનુભાઈને ભૂવા-ફૂવાની વાત ગળે ન ઊતરી. એમણે ગોમતીબાને સમજાવ્યું, એવું કંઈ ના હોય બા. ભૂવાના ચક્કરમાંથી તમારે છૂટવાનું છે. થોડોઘણો સુધારો કોઈકે તો કરવો પડશેને? તો આપણે શરૂ કરીએ. ડૉ. શાહ પાસે લઈ જઈએ. માનસિક રોગ હશે તો તરત મટાડી દેશે. બાકી વળગાડ – બળગાડ કંઈ ન હોય. ડિપ્રેશન હશે કે પછી ચિત્તભ્રમ. છેલ્લે ભાભીએ બાપાની ખૂબ સેવા કરી હતી, એટલે પણ ક્યારેક આવું બોલતાં હોય. – તે દાક્તર ફાયેય લઈ જઈશ્યું પણ ભૂવાન બોલાબ્બામોં વોંધો સ? આટલી વાતચીત પછી અનુભાઈએ સૂચવ્યું, એ તો બધું થઈ રહેશે. પહેલાં પેટપૂજા કરીએ, ચાલો બધાં જમી લઈએ, નહીં તો બાપાને પહોંચશે ક્યાંથી? – મોટા ભાઈએ ચ્યાણનીયે વાસ નોખી દીધી એટલ તારા બાપા તો ચ્યાણનાય જમીન જતાય રયા.

બધાં જમી પરવાર્યાં. આનંદીબહેનને ગોમતીબાએ ટિફિન ભરી લેવા કહ્યું, અમારે તો કોઈ દૂધપાક ખાતું નથી. ભરો મોટું ડોલચું. છોકરાં ફરી ખાશે, કહેતાં આનંદીબહેનને મોટા ભાઈએ ટપાર્યાં, એ તો આઠિયા કહેવઈ. ઈમન તો ભંડારા ભરી આલવા પડ. સાંજ પડતાં તો ઘર ખાલીખમ. ખાટલામાં એકલાં બેઠેલાં ગોમતીબા મનોમન વિચારતાં હતાં, ભગત જીવન ભગવોન હમ શું કરવા દશી કરતો હશે? ઓંય પરથમી પર ઓછા દશી થ્યાતા? છોકરાઓએ બર્યું ઈમન ઘૈડપણમ – બાના આગ્રહથી અનુભાઈ અને મોટા ભાઈ ભૂવા પાસે જઈ આવ્યા. ભૂવાએ તરત હા પાડી, ભગતનું કોમ હોય એક હડફ દઈન ઊભો થઈ જઉં. પણ ભગત ઓમ અવગતે નો જાય. જે હશે એ કાલે આયે એક ખબર્ય પડશે. ડોક્ટરવાળી વાત અનુભાઈનો કેડો મૂકતી ન હતી. એમ કંરતાં રાત પડી. અનુભાઈ એમના રૂમમાં ચાલ્યા ગયા. એમને વિચાર આવ્યો, આ ભૂવાવાળી વાત પડતી મૂકી હોય તો? વળી, ભૂવો આવે, હાકોટ પડકારા કરે, સોસાયટીમાં છાપ ખરાબ પડે. પાછો ભૂવો જ્યોત્સ્નાભાભીને ગભરાવીને બધું બોલાવે તો? એમને તો જે યાદ હોય એ ભૂવાની બીકે બોલવા માંડે – અને પેલી વાત કરે તો.. એ દિવસે ચંદુભાઈ આવ્યા હતા. તેમણે શરૂ કર્યું, શું દાસ, તમારે તો લીલા લહેર છે. એયને મજા મજા. ચિંતા બાંધી ચાકડે સૂખે સૂએ દાસ. – હોવ મજા તો છ. પણ આ વાનું દરદ, મસાનું દરદ. જાતજાતનોં ન ભાતભાતનોં દરદ. બસ જીવી કાઢવાનું જમ તંમ કરીન, બાપાએ કહ્યું. હું તરત બોલી ઊઠેલો, જેમ તેમ તો આ મોતી કૂતરો જીવે છે એને કહેવાય. તમારે શું તકલીફ છે? બેઠાં બેઠાં ખાવા-પીવા મળે છે. ઉ૫૨થી બીડીઓની ગડીઓ જોઈએ તેટલી. દેવ-દર્શન અને દાન-ધર્મનીયે છૂટ, સાંભળીને બાપાનું મોં કાળું મેંશ થઈ ગયું હતું. મનમાં ને મનમાં બબડવા લાગ્યા હતા, આ મન શ્યું ગણાવતો હશે? ઈન મોટો કરતોં જોર નઈ આયું હોય! ઈન મોતીજરા પધાર્યા તાણ તૈણ રાત ખોરામોં લઈન બેહી રયોતો. ન આ નેનડ અતારે અમન ભણાવસ ક લેર સ! પોતે કુના પરતાપે લેર કરસ એ નઈ જોણતા હોય! – હા ભઈ હા, હમ મોતીની જમ જ જબ્બાનું સ તમારા પનારે પડ્યા ચેડ, બોલતા બાપા દુઃખી ચહેરે આંખો બંધ કરીને ક્યાંય સુધી બેસી રહેલા.... એના કરતાં ડોક્ટર પાસે જ લઈ જઈએ. બાપા આવું બધું બોલે તો બા પણ પાછી આ બધું સાંભળીને જતે જીવ હેરાન થાય, પેલી બંગલાવાળી વાત કાઢે તો... સવારના પો’રમાં બાપા આવેલા. શૈલેશને જોતાંવેંત બોલ્યા હતા, સૈલા, તારી બોડીસ જબરી ભારે થઈ જઈ સ. બંગલે આઈન મા ન દીકરો તગડા જેવોં થ્યોં સો! એમની સાથે આવેલા સાંકાભાઈ થોડા અડબંગ તે બોલ્યા વગર ન રહી શક્યા, શના બંગલા, બે ઈંટ્યો ઓમ મેલી ન બે ઓમ એટલ બંગલા થઈ જ્યા? બંગલો તો નાયણપરામોં બિલ્લા શેઠનો છ ઈન કહેવાય. મેં પણ સાદ પુરાવતાં કહ્યું હતું, સાચી વાત છે સાંકાકાકા. શેનો બંગલો? આપણા આખા મકાન જેટલું તો જવાહરલાલનું જાજરુ. ઠીક એ તો ગામમાં હોય તો ઘર કહેવાય અને શહેરમાં એ જ ઘરનો બંગલો. બાપાની આંખમાં ઝળઝળિયાં આવી ગયેલાં. તેમની આખી જિંદગીની કમાણીમાંથી બનાવેલા મકાનમાં રહેતો હું આવું બોલ્યો? એમનાં વેણ હતાં, હોવ ભઈ હોવ, અમારાથી જે થ્યું એ કર્યું. તમે લખેશરી થજ્યો ન હવેલીઓ બોંદજ્યો.... બાને ગમે તેમ સમજાવીને ડોક્ટરનું જ પાકું કરાવું. દુકાનવાળો પ્રસંગ વળીવળીને યાદ આવ્યો... રોગથી ઘેરાયેલા બાપા અંતકાળે લગભગ કંતાઈ ગયેલા. શેક અપાવવા અમદાવાદ લાવ્યા હતા. મને ખાટલા કલ્ચરની શરમ આવે. સીધે-સીધું કહેવાય નહીં. એટલે મેં કહ્યું હતું, બાપા વરંડામાં ખાટલો ઢાળીને ન સૂતા. ક્યાંક ગાય પૂળો સમજીને ચાવી ન જાય. બાપાએ તરત ઉત્તર વાળેલો, આ દેય ઈમ કરતય ગાય માતાના કોંમમ આવ એથી રૂડું શ્યુ? બાચી તમન ગમ ક ના ગમ. હેંડીન થોડું જવાય સ ભઈ!

મોટા ભાઈને ઘરમાં ઊંઘવું ન ફાવે. એટલે ખાટલો વરંડામાં લેવડાવ્યો. રાતે ક્યાંય સુધી ઊંઘ ન આવી. ચાર-પાંચ વાર તો ચલમ ભરી. છેવટે ઉધરસ આવતાં ચલમ મૂકી સોસાયટીના નાકા સુધી જઈ આવ્યા. એમનેય સતત બાપાની વાતો યાદ આવ્યા કરી... બેચો ઝોડ જેંતિન આવતો તાણ મારો દિયોર ફાવ ઈમ બકતો’તો. એ દાડોં મારો બેટો બોલ, દિયોર રાતે હોડમોં ભરઈ જોવ સો તે આ બાપાની ઉદરોય નહીં હંભરાતી? લગાર પોણી ન દવા આલત શું ઝટકા વાગસ? ફાયે થોડું બેહતા હો તો શ્યુુ લુંટઈ જઈ? ના, ના, બાપો દિયોર તૈણ દોકડાનો ન વહુ – જોસનીન બાપા આવ ન લવરીએ ચડ તો? બાપા જોસનીન રજેરજ વાત કરતા. મારા ભેગા રેલા તે માર જ અરખું થવું પડેલું. વખત છ ન જોસની – એક તો હવારે વહેલા ચાર વાજ્યે ઊઠ, ઊઠતાવેંત ઓયડામાંથી ઓશરીમોં ન ઓશરીમોંથી ઓયડામોં ખડભડ ખડભડ કર. હવારના પવનની લેરખીમોં લગાર ઓંખો મરી હોય ન ઈમના ખડભડ ખડભડથી જાગી જઉં. મારુ દિયોર બોલ્યા વના ના રહેવાય, આ ડોહા લગાર મોડા ઊઠતા હોય તો ઈમના બાપનું શ્યુ લુંટઈ જાય? બાપા આ હોંભરીનેય ચૂપચાપ જે કરતા હોય એ કર્યે રાખ. ઊઠું એવા હાથમોં માળા લઈન બેઠેલા બાપા દેખાય. એક પા માળાના મણકા ફરતા હોય ને બીજી પા ઘરની રજેરજ વાતની ખબર્ય રાખ : ભઈ, લાલિયો ઊઠ્યો? ઈનું દૂધ ત્યાર કર્યું સ, ન? પાછો ભેંકડો તોણશે. વહુ, લગાર ઈન તેડીન હવળઅ હવળઅ ઉઠાડજ્યો. વહુ, ચા થઈ જ્યો કે નઈ? ઝીની ડોઘલીયે લાવજો. લુખ્ખો ચા પેટમ વાગસ. હું યે બોલ્યા વના ના રઉં, આ ડોહાન ઝી ખઈન ચ્યોં લડઈમ જવું સ? પાછા બે તૈણ પરીઓ વેડશે. બાપા કહે, ના રે ભઈ ના. હમ તો લાકડોંમ જઈશ્યુ. આ લગાર ઝી લીજીએ તો વાયુ નો થાય. ઝીથી હારુ લાગ સ. લાકડોંમ જઈએ તાણ એટલુ ઓછુ વેડજો. ચા પૂરી થાય ને તરત મૂઠિયોં. મૂઠિયોંય પાછોં હરસિયામોં તરેલોં ઈના ઉપર પાછો રહો. આ ડોહાન રહો હારો જીભે ચડી જ્યોસ, ઈમ બોલુ – પણ બાપા હોંભર એ બીજા. બોખું મોં ઉપર-નીચે કરતા મૂઠિયોં ઓરે જ જાય. બાન આ બધું હારુ ના લાગ. પણ બાપડોં શું બોલ? ભઈ અમદા’દથી પૈશ્યા ના મોકલ એક દબઈ ચંપઈ ન રે, શ્યુ કર... મારું હાહરુ હમ ઘણોય જીવ બળ સ. બાપા આવા ચોપડા ના ઉચેલ તો હારુ.

ગોમતીબાને જ્યોત્સ્નાની ચિંતામાં સહેજેય ઊંઘ ન આવી. ભૂવો હજાર ખેલ ક૨શી અન ઈમના આત્માન દશી કરશી. ભગત જીવ હતા બાપડા. એ ઓમ ઈમની પરજાન દશી ના કર. પણ આ લધોં કે’સ તે ખોટું નઈ હોય. મીં ઈમન આખી જિંદગી હાચવેલા. ખસેય નતુ કીધુ. જે જોવ એ ચીજ હાજર. અકરાવાની વાત નઈ. એ તો ચ્યોંક ચ્યોંક આકરાયે થઈ જોંય. આપણ અકરાવાનુ નઈ.

બીજે દિવસે ભૂવો આવવાની રાહ જોતાં બધાં બેઠાં હતાં. ત્યાં જ જ્યોત્સ્ના ધ્રૂજવા માંડી. હોવ-હોવ-હું આયો છું, બાપો – તમારો બાપો. દીવાનખંડમાં બેઠેલા અનુભાઈ દોડી આવ્યા. મોટા ભાઈ પણ ઊભા થઈ ગયા. ગોમતીબાએ, ચીયા જનમનોં પાપ નડ છ તે હમ જત જત આ જોવાનું આયું! હમ-ભઈ-હાઠે-નાઠી-નાઠી – જ્યોત્સ્ના બોલી. હું આવું ના બોલું. આ તો જ્યોત્સ્નાભાભી – બાપા, હું કંઈ આવું – કહેતા અનુભાઈ બેસી ગયા. બાપા – બાપા પેલી મકાનવાળી – મોતીવાળી – ઇશારાથી જ્યોત્સ્નાભાભીને ના પાડતા હોય એમ પરસેવે રેબઝેબ થઈ ગયા. તૃપ્તિબહેને રૂમાલ આપ્યો. પાણી આપ્યું. – શ્યુ કરવા દખી કરો છો - તમારુ શુ બગાડ્યું છે – દશ્મનો – તમારું – મારુ લગાર હેંડવા – લગાર – ઘૈડપણ કુણે મોકલ્યું? કરતી જ્યોત્સ્ના ગાવા લાગી. મોટા ભાઈ બારણા તરફ ફરી ગયા, આ જોસની ફાવ ઈમ બક સ. ઈન લવારીની ટેવ સ. આપડે તો થાય એટલી સેવા કરી છ. બોલવાનો થોડો આખો, બાચી પેટમોં પાપ નઈ. ચ્યમ બાપા, ખરું ન? જ્યોત્સ્ના તરફ ફરી ક્રોધથી રાતા-પીળા થઈ ગયા, જો બોલી છ તો ધબેડી નોખે. છ - તે - છ - તે – પરજા દશ્મન – મોટા ભાઈએ જ્યોત્સ્નાને પાણી પીવડાવી દીધું. ગોમતીબા જ્યોત્સ્નાને બરડે હાથ ફેરવવા લાગ્યાં, ગભરઈશ નઈ બેટા. તી ઈમની બઉ સેવા કરી સ. હંમણ જતા રહેશી. ત્રણેય ફરી ઊભાં થઈ ગયાં. જઉં સુ - માતાજી - જઉં સુ – દશ્મન... એટલું બોલતાં જ્યોત્સ્ના ઢળી પડી. ત્યાં જ બારણામાં આવીને ઊભેલો ભૂવો : હું નતો કહેતો, ભગત અવગતે નો જાય. લ્યો હેંડો, જે થ્યુ એ હારું થ્યુ. ત્રણેય જણ અંતરથી બોલી ઊઠ્યાં, માત્મા જીવ હતા બાપા. ગોમતીભાભીને ય હાશકારો થતાં બોલ્યાં, સતિયો જીવ હતા બાપડા. ઈમનો કરોધ એટલે પોણીમ લીટો.