બિપિન પટેલની વાર્તાઓ/૨. ગ્રહણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨. ગ્રહણ

મણિબા અને ધનીબાનો સત્સંગ પિરિયડ હમણાં પૂરો થશે. દરરોજ નાનુભાઈ જુદાં જુદાં ધાર્મિક પુસ્તકો વાંચે. સોસાયટીની બીજી ડોશીઓ પણ ક્યારેક ક્યારેક આવે. આજે બે જ જણ હતાં. – કાલે ગ્રહણ છે એટલે ઘરમાં ઝાપટ-ઝૂપટ કરતીઓ હશે. અને આ તાપ તો મારા બાપ તોબા, મણિબા બોલ્યાં. – ધર્મમાં ગરમી બરમી ના ચાલે. આ તો દેહના કલ્યાણની વાત છે. આપણા દેહના. દાદા નથી કહેતા, જેણે તમને જીવન આપ્યું, જગત આપ્યું એના માટે એક કલાક ન કાઢી શકો? સ્વાધ્યાય તો જીવનમાં જોઈએ જ, કહેતાં નાનુભાઈએ થોડું વાંચ્યું. થોડું વંચાતાં જ, – લ્યો હમ બંધ કરો. બાફમ નહીં રહેવાતું. – આટલું પાનું પૂરું કરી લઉં. – હારું તાણ વોંચો. તમે તો પાછા મકોડા જેવા છો એટલ કહેવું પડ છ. વાંચવાનું પૂરું થયું. મણિબા અને ધનીબા ઊભાં થયાં. નાનુભાઈએ રામાયણ હાથમાં લઈ કબાટમાં ગોઠવવા માંડ્યું. એમનું એકેએક કામ ચોક્કસ અને વ્યવસ્થિત. કબાટમાં જે જગ્યાએ જે વસ્તુ મુકાતી હોય ત્યાં જ મૂકે. રામાયણની જગ્યાએ આ રેશનીંગ કાર્ડ કોણે મૂક્યું? આ છોકરાંઓને કંઈ ભાન નથી. બસ, મન ફાવે એમ વસ્તુઓની ફેંકાફેંક કરે છે. મા-બાપ પણ અક્ષરેય ન બોલે, બબડતાં નાનુભાઈએ રામાયણ મૂક્યું. ફરીવાર બહાર કાઢ્યું. લાલ ગમછાથી ઝાપટ્યું. ફરી મૂક્યું. ગમછો ખભે નાંખ્યો. ચોકઠું બરાબર ગોઠવ્યું અને બહાર આરામખુરશીમાં બેઠા. મણિબાને સખત ભૂખ લાગી હતી. ઊભાં થઈ રસોડામાં ગયાં. ભૂખ્યાં મણિબા કોઈનાં નહીં, એવી ખબર હોવાથી જાગૃતિએ રસોઈ તૈયાર કરી દીધી હતી. એક-બે કોળિયા ઉતાર્યા ન ઉતાર્યા, બહાર. બળ્યું ખાવુંયે શી રીતે? બાફ એવો માર સ ક મંઈ રેવાય એવું નહીં. આ વહુ શી રીતે ભઠ્ઠીમોં રહેતી હશી! બટાકા ગોડી બફઈ જતી હશે, બબડતાં બહાર આવી બેઠાં. દોડતો દોડતો રીતુ એમની પાસે આવ્યો, – લે ન ભઈ, લગાર બઈડે ખણી દે ન. કોંસકો લાઈન ખણ. – હું તમને ખણી દઉં અને તમે મને વાર્તા કહો. – હમ બળ્યું ભૂલી જવાય સ. એકેય વાર્તા અતારે નહીં હોંભરતી. પહેલોં મગસ ફુલપાવર હતું તાણ ઈયાદ રહે’તું. – ના બા, વાર્તા તો કહેવી જ પડશે, નહીં તો ખણી નહીં દઉં. – મુઓ નખ્‌ઓદિયો, છાલ નઈ મેલ. લે તાણ હોંભળ, ગરહણની વાત મોંડું. – બા, અમારા સાહેબ કહેતા હતા કે કાલે મોટું ગ્રહણ છે. મોટું એટલે કેવું બા? – મોટું એટલે મોટું. લગાર ભારે ગણાય. ઘૈણ ઘાલ તોંથી છોડ તોં હુધી હાચબ્બુ પડ. આ તો ઘૈડિયાવારીનું હેંડ્યું આવ સ. હમ ટકટકારો કર્યા વના હોંભળ. એક દાડો એવું થ્યુ કે બધા દેવો અન દોનવો ભેગા મળ્યા મોટું જાડું ઢહલા જેવું રોંઢવું લીધું. – એટલે શું બા? – જાડું દોયડું. આપડ છાશ વલોબબા નહીં વાપરતોં? પણ તન ચ્યોંથી ખબર પડ? જલમ્યો તાણનો શેરમ ન શેરમ રયો છ તે. હોંભળ હમ. તે હોવ, દેવો અન દોનવો ભેગા થ્યા. દોયડું લીધું અને વલોબબા મોંડ્યા. પોણી આભલા જેટલું ઊછળ ન હેઠું પડ – ચ્યોંય હુધી વલોયું. ઘમ - ઘમ - ઘમ - ઘમ, હોંજ હુધી વલોયું તાણ મોંયથી અમરત કુંભ નેહળ્યો. ઈમથી અમરત પીવો એક અમ્મર થઈ જોવ. અમ્મર થવાનું કુન ના ગમ? પાધરા જ દોનવો કુંભ લઈને ધોડ્યા. આગળ દોનવો ન પાછળ દેવો. પણ દોનવો ઈમ પોકવા દે? ધોડીન ખાસ્યા આઘા જતા રયા. દેવો ન થ્યુ ક મારુ બેટુ અમરત જ્યુ. પણ ઈમ બેહી રયે મેળ નઈ પડ, વિશ્નુ ભગવોન બોલ્યા, કોંક ગેમ કરવી પડશ્યે. એક કોમ કરીએ – જોવો હમ હું ખેલ પાડુ તે. વિશ્નુુએ સુંદરીનું રૂપ લીધું. ઝાડ નેચર ઊભા રયા. ધોડતા ધોડતા દોનવોય ત્યોં આયા. સુંદરીન જોતાંવોંત ધીમા પડ્યા. લગાર ઊભા રયા. સુંદરીન જોઈન એ તો મોયા. ઈની ફાયે જઈન લટૂડોં પટૂડોં કરવા લાજ્યા. સુંદરી તો કપાહના છોડ ગોડી હાલ્યા કર, બોલ્યા ક ચાલ્યા વના. દોનવોન થ્યુ ક દેવોએ કોતક તો નઈ કર્યું હોય? લાવો લગાર પૂછીએ. પૂછ્યુક, અલી બઈ, તું કુણ સ, ચ્યોં જાય સ, કુની વઉ સ? હું તો સુંદરી. દેવોન વરવા જઉં સુ. કહીન એ તો આગળ હેંડી. દોનવો ગભરોણ્યા. મારી બેટી ઈમ હાથમ આવ એવી નહીં. એયે પાછર પાછર હેંડ્યા. હેંડત હેંડત દોનવો બોલ્યા, પણ અમરત કુંભ તો અમારી ફાયે છ. દેવોન વરીન શુ કરેશ? જો તું અમારી હંગાથે આવે અન અમારા ભેગી રહે તો આ અમરત પીન અમ્મર થઈ જેશ. માર અમ્મર થઈન શ્યુ કરવુ સ? માર તો મારા દેવ, હું તો આ હેંડી ઈમના ફાયે. અલી વઉ, તને અમ્મર થવું એક શ્યુ ઈની ખબર નહીં. હજુ કહીએ છીએ, મોની જા. સુંદરી બોલી, હારુ તાણ ઈમ કરીએ. તમારી હંગાથે આવું. તમારા ભેગી રઉં. પણ એક શરત, પહેલો મારા હાથમોં અમરત કુંભ મેલો. દોનવોન થ્યું ઓમેય પૈણ્યા ચેડ તો અમરત કુંભ ઈનો જ છ, અન એ આપડી, ઈમ કોંય ફારફેર નહીં થવાનો. તાણ લાવો અતારે જ આલીએ અમરત કુંભ. કુંભ આલ્યો. સુંદરીના હાથમોં કુંભ આવતોં વોંત સુંદરીમાંથી વિશ્નુ થઈ જ્યા. વિશ્નુ તો કુંભ લઈન નાઠા. દોનવોન થ્યુ મારો ખોતી વિશ્નુ શેતરી જ્યો. એય ધોડ્યા વિશ્નુ પાછળ. પણ ઈમ કોંય વિશ્નુ પોકવા દ્યે? પાધરા દેવો ફાયે પોકી જ્યા. દોનવોય ઈમના પાછર. ત્યોં. પાછો ઝઘડો જોમ્યો. દોનવો કેય ક પહેલા અમે પીએ, વલોબ્બામાં અમે વધાર મથ્યા છીએ. દેવો કેય કે અમરત કુંભ વિશ્નુ લાયા છ, એક અમે પહેલા પીયે. વિશ્નુએ તોડ કાઢ્યો, દેવો અન દોનવોની લેણ નોખી નોખી કરીએ. બધોન થોડુ થોડુ અમરત આપીએ. પણ વિશ્નુુ મારો બેટો પાકો. દેવોન હારુ હારુ અમરત આલ અન દોનવોન રગડો. – બા ભગવાન પણ આવી અંચઈ કરે? – હોવ ભઈ. મોણહ માતર વેરો ઓંતરોે કર. અન દેવો તો મોણહનય હાત પાવડા વાળ. હોંભર હમ. ઈમ એવું થ્યું ક રાહુ-કેતુ નોમના બે દોનવો દેવોની લેણમ બેહી જ્યા. ઈમની ફાયે સૂરજ-ચંદર બેઠેલા, એ ઈમન ભાળી જ્યા. દેવોન હારુ અમરત આલત આલત વિશ્નુએ રાહુ-કેતુનય આલ્યુ. આલતાવોંત સૂરજ-ચંદરે બૂમ પાડી. શેતરાયા, વિશ્નુ મારાજ શેતરાયા. મારા ખોતી આ તો દોનવ છ. વિશ્નુએ એકી ઝાટકે બેયનોં ધડ ઉપરથી ભોડોં ઉડાડી મેલ્યો. પણ એ પહેલોં તો અમરત મૂઢામોં પોકી જ્યુ’તુ. એટલ ધડ મરી જ્યોં પણ મોથોં અમ્મર થઈ જ્યોં. એટલ પરથમી અવતરી તાણના આ રાહુ-કેતુ સૂરજદેવ અન ચંદરદેવ ગળી જોંય, ઈન ગરહણ ઝલાયું કહેવઈ, અન થાચીન મેલી દે એક ગરહણ છૂટ્યું કેવઈ. વાર્તા પૂરી થતાં પહેલાં તો રીતુ સૂઈ ગયો. રીતુને હળવેથી ખસેડી મણિબા ઊભાં થયાં. જાગૃતિને બૂમ મારી, લ્યો ઓન લઈ જોવ અન તમેય હુઈ જોવ. કાલે હવારે વહેલુ ઊઠવું પડશી.

બીજે દિવસે સવારે ઊઠતાંવેંત મણિબાએ ઘરમાં ધમાલ કરી મૂકી; વહુ ગોળો ઊંધો વાળી દેજે, ઝાપટ-ઝૂપટ કરવી હોય તો એય કરી નોખો. આજે કશુ હારુ રોંધવાનું નહીં. દેવો બાપડા દશી થતા હોય ન શે હારુ હારુ ખાવાનું ગળ ઊતર? ગરહણના દાડે તો હાચબ્બુ પડ ન! બધું શાસ્તર પરમોણે ના કીજીએ તો દશી થઈએ. વપદ પડ. ના હોય ન દેવો ખિજોણ તો ગધી-ગધી કરી નોખ. લાય હું પેલો જૂનો હાલ્લો વેંઢી લઉં. તુયે પેલો ચિકનનો હાલ્લો વેંટ. ચિકન રેશમનું હોય એક પવિતર ગણઈ. અન ધોવુંય ના પડ. શાલંગરોમ અને બીજા દેવોનય રેશમી કપડામોં બોંધી કાઢ. જેટલું હાચવ્યુ એટલું પુન. સંદીપ આ બધી ધમાલ સાંભળી અંદરના ઓરડામાંથી બહાર આવ્યો. પહોળો લેંઘો અને ખાદીનો લૂઝર જેવો સદરો પહેર્યો હતો. ફેશનમાં જાગૃતિ જરા વધુ મોટો લાવેલી એટલે સદરાની બાંયમાંથી સંદીપના પાતળા હાથ સ્ટમ્પ્સ જેવા લાગે. હમણાંથી ટાલ પડવાની શરૂ થઈ છે એટલે કપાળ ખાસ્સું ખુલ્લું થઈ ગયું છે. આછા વાળને કારણે ચહેરો ચકલી જેવો દેખાય છે. જાગૃતિ કાયમ કહે, સાવ ચાડિયા જેવા લાગે છે. સંદીપે દીવાનખંડમાં આવીને પૂછ્યું, કેમ જાગુ, શું છે આજે? બા શેનાં ફોર્મમાં છે? – આજે ગ્રહણ છે એટલે બાએ આખું ઘર માથે લીધું છે. આ કરો ને તે કરો. આપણે તો થાય એટલું કરવાનું. પણ ગ્રહણ હોય એટલે અમુક રીતે સાચવવું પડે એ વાત સાચી. સહેજ ગફલત થાય તો આફત આવ્યા વિના ન રહે. બાજુવાળાં સુનંદાબહેન નથી? એક વાર ધનીબાએ કહ્યા પ્રમાણે વિધિ ન કરતાં ગ્રહણ છૂટ્યું એ દિવસે જ ધબ દઈને સ્લેબ પડ્યો. એ તો નસીબ પાધરું તે કોઈને વાગ્યું નહીં. એટલે મૂવું, સચવાય એટલું સાચવી લેવું. માજી રાજી રહે એ નફામાં. – તમારા લોકોની આ જ તકલીફ છે. સાયન્સમાં ભણતાં, અદ્યતન ફેશનનાં જિન્સ પહેરતાં છોકરા-છોકરી પરીક્ષા વખતે મંદિરે ફરવા જાય, સત્યનારાયણની કથામાંયે બેસે. પાછાં કહે, આવું બધું ટ્રેડિશનલ ક્યારેક થ્રિલીંગ લાગે છે. અરે, એમની વાત શું કરવી! ઈસરોના વિજ્ઞાનીઓ પણ અવકાશયાન છોડતાં પહેલાં યજ્ઞ કરાવે છે. સ્ટેઈલ થઈ ગયું છે બધું, બોલતાં સંદીપે કહ્યું, તમારે જે વિધિ-વિધાન કરતાં હોય તે કરો પણ અવકાશી ફેરફારો વિશે ચોક્કસ વીગતો જાણવી જોઈએ ને? ક્યાં ગયાં છોકરાં? હજી નથી ઊઠ્યાં? ઊઠ્યાં હોત તો એમનેય સમજાવત. – થાય છે, ઉઠાડીએ છીએ, એમ કહી જાગૃતિ રસોડા તરફ જવા ગઈ. ત્યાં જ સંદીપે એને ખભેથી પકડી ઊભી રાખી. – તને તો સમજાવું જ. લે સાંભળ, સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર જ્યારે સંપૂર્ણ રીતે સીધી રેખામાં આવી જાય ત્યારે જ ગ્રહણ થાય છે. પૃથ્વી પરથી જોતાં જ્યારે ચંદ્ર સૂર્ય તરફ હોય ત્યારે અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ થાય છે અને ચંદ્ર જ્યારે એનાથી તદ્દન વિરુદ્ધ દિશામાં હોય ત્યારે પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થાય છે. આજે કયું ગ્રહણ છે બોલ, ખબર છે? – બાજુવાળાં અમીબહેન કહેતાં હતાં, મોટું ગ્રહણ છે, ખગ્રાસ ગ્રહણ. – કેમ તને નથી ખબર? – હવે જે હોય તે. આપણે શું? આપણે તો બા કહે એમ કરવાનું એટલે પત્યું. – તમારામાં જિજ્ઞાસા-વિદ્યાપ્રેમ રહ્યો છે જ ક્યાં? કોઈપણ બાબતને એના ઊંડાણમાં સમજવી જ નથીને? તમારે તો બસ નાટક, ચેટક, એક્શન ભરપૂર ફિલ્મો, પાર્ટીઓ અને બ્યુટી પાર્લરો. પાછી મારી વાતોમાં તમારી ‘રંગોલી’ રહી ન જાય. – તમે તો બોર કરો છો યાર, હવે છોડો. લો, ચા બનાવી લાવું, કહેતાં બગાસું ખાતાં જાગૃતિ ઊઠી. એટલામાં રીતુ અને રીન્કી આંખો ચોળતાં ચોળતાં મોડું થઈ ગયું હશે અને ‘રંગોલી’ શરૂ થઈ ગયું હશે’ની બીકે દાદરા પરથી ધડધડાટ નીચે આવ્યાં. – પપ્પા, રંગોલી શરૂ થઈ ગયું? – ના. જાહેરાતો આવે છે. પહેલાં બ્રશ કરી લો ફટાફટ. – તમારે ઠીક છે. છોકરાંને તો જાહેરાતમાંય મજા પડે! મારી બહેનનો છોકરો ત્રણ વર્ષનો છે પણ જાહેરાત આવે ત્યારે તાળીઓ પાડતો પાડતો ટી.વી. આગળથી ખસે જ નહીં ને! – શું ધૂળ મજા પડે! ચીકણી ચીકણી કાયા, ક્લીન શેવ મૂર્ખ ચહેરા અને મોંમાં પાણી આવી જાય તેવી ખાદ્ય પદાર્થોની જાહેરાતો માથામાં મારી મારીને તમને મોહિત કરે છે. આય એક પ્રકારની સોફિસ્ટિકેટેડ ગુંડાગીરી છે – ગ્રાહકોને લૂંટવાની કળા. જાગુ સાંભળ હવે, છેલ્લી વાત. – છેલ્લીને ફેલ્લી. હવે એકેય નહીં. કહી જાગૃતિએ રિમોટ લીધું. બંધ કરેલો અવાજ ચાલુ કર્યો. અવાજ સહેજ મોટો કર્યો. છોકરાં એની આજુબાજુ ગોઠવાઈ ગયાં. સંદીપ છાપાંનો થોકડો લઈને સોફાના છેડે બેઠો. રસ પડે એ ગીત જોવાનું; નહીં તો છાપાં. રંગોલીનું પહેલું જ ગીત વિનોદ ખન્નાનું. સ્ટોનવોશ્ડ પેન્ટ અને કાળી, જરસી. જરસીનાં બટન ખુલ્લાં. હાથ પર કાળું લોકેટ, ગળામાં માદળિયું. જરસીની ચસોચસ બાંયમાંથી એના માંસલ હાથ દેખાયા. ચહેરો ક્લીન શેવ. હિરોઈનની કમરે હાથ ભેરવીને ઘાસના મેદાનમાં નાચતો હતો. ગીતની ધૂન સરસ હતી એટલે સંદીપ પણ રસપૂર્વક જોવા લાગ્યો. જાગૃતિ પહેલાં વિનોદ ખન્ના તરફ, પછી સહેજ સંદીપ સામે – એમ વારંવાર જોતાં ટી.વી. સ્ક્રીનમાં લગભગ ઊતરી ગઈ, જામે છે સાલો બાપુડી મજ્જા આવી ગઈ. સંદીપે સહેજ ગુસ્સે થઈ કહ્યું, સારું સારું હવે, બડબડ બંધ કર, ગીતના શબ્દો બરાબર સાંભળવા દે, પછી વખાણજે તારા હીરોને, નિરાંતે. – પોતે બોલતા હતા ત્યારે કંઈ નહીં. આપણો ગમતો હીરો આવી જાય તો બોલવાનુંયે નહીં. સારું લો, આ ચૂપ મર્યાં, કહી જાગૃતિએ મૂંગા મૂંગા રંગોલી જોયું. રંગોલી પૂરું થયું. જાગૃતિએ. પૂછ્યું, બીજો ડોઝ થઈ જાય? – હો જાય, સંદીપે કહ્યું. – હમ ચા ન બા પછ કરજ્યો. પહેલોં સાફસૂફી કરી નોખો. અન ગરહણ છૂટ નહીં ત્યોં હુધી બહાર નહી નેકળવાનું. ગરહણ છૂટ એવું જ નાહી લેવાનું બધોંએ, મણિબાએ કહ્યું. – છોકરાં કંઈ તમારું નહીં માને. આ મોટા ઘૈડા થયા તોય ક્યાં માને એવા છે? કહી જાગૃતિ ચા બનાવવા ઊભી થઈ. – ચ્યમ નઈ મોન? નેનો હતો તાણ તો બધું કીધું કરતો. આ તન આયા ચેડ બગડી જ્યો. અન શાસ્તરની લગાર બીક નો રાખવી પડ ન? બોલતાં મણિબાને, એવું કંઈ નહીં, કહેતાં સંદીપ છાપાં વાંચવા લાગ્યો. ફરી ચા પીધી. દાઢી પર હાથ ફેરવ્યો. એને થયું, મજમુદાર ઘરનો માણસ છે. એને ત્યાં સવારના પહોરમાં જવાય. પહેલાં જઈ આવું એના ઘેર. આ બધી ધમાલમાંથી તો છુટાય. એણે જાગૃતિને કહ્યું, મજમુદારને ત્યાં જઈ આવું છું. – પણ બાએ ના પાડી છે ને? – બહાર જઈએ તો કંઈ આભ નથી તૂટી પડવાનું, કહી ઝભ્ભો પહેરીને ચાલતી પકડી. મણિબા ગુસ્સામાં જોઈ રહ્યાં. જાગૃતિ પણ વરંડામાં ઊભી ઊભી ખાંચામાંથી જતા સંદીપને થોડીવાર જોઈ રહી. સંદીપ વળ્યો કે અંદર જતાં બબડી, માથું દુખાડી દીધું. હવે શાંતિથી સફાઈ થશે. બા, તમે અને છોકરાં વરંડામાં બેસો. બહાર તો ગ્રહણ લાગે ખરું ને? એટલામાં ધનજી આવ્યો. આવ્યો એવો બાની નજર ચોરીને સીધો રસોડામાં. – અલ્યા ચ્યમ સીધો રહોડામ પેઠો? આજે તો કોંય નહીં રોંધ્યું. રોયો પેંધી જ્યો સ હારુ હારુ ખાવા. કોંય કોમ નહીં, પાંછો જા. – તમેય તે શું બા, કંઈ ખબર પડે નહીં ને, સીધાં જ ના! વાસણ કપડાં નથી કરવાનાં તો ઉપર બધું સાફ કરાવી લઈએ. માંડ આજે હાથમાં આવ્યો છે તો પતાવી દઈએ. – હારુ તાણ, ગમ ઈમ કરો. જાગૃતિ રસોડામાં ગઈ. રસોડામાં ઊભેલો ધનજી બારણા તરફ જોઈ રહ્યો હતો. જાગૃતિને જોતાં જ, કંઈ નહીં ભાભી, હું જઉં ત્યારે. – ઊભો રહેને દોઢડાહ્યાં ડોશી તો બબડ્યા કરે. મારે કામ છે ને તારું. ચાલ ઉપર. આજે તારા સાહેબ નથી તે ઉપર જઈ આખું ઘર બરાબર ઝાપટીને ચોખ્ખું કરીએ. એ હોય તો પાછા નાક પર કપડું બાંધે, હાક છી – હાક છી કર્યા કરે. – હા ભાભી, ચાલો. આજે તો ધુમાહ પાડી જ દઉં. ઘણા દિવસથી કીધા કરો છો તે. જાગૃતિએ એને ઊભા રહેવાનું કહ્યું. અંદરના રૂમમાં ગઈ. નાડું ઢીલું કરી સાડી સહેજ નીચે ઉતારી. સફાઈ કરતાં સારું ફાવે! બબડતાં સાડીના છેડાને પાછળથી આગળ લાવી આંટી મારી. ચણિયો ઊંચો લઈ ખોળો વાળ્યો. ઘૂંટીથી પીંડી સુધીના પગ ખુલ્લા થયા. એણે બહાર આવી જોયું તો ધનજી એને ધારી ધારી જોતો હતો. પોતાને ખબર જ ન હોય એમ જાગૃતિએ કહ્યું, બારી-બારણાંમાં તો પછીયે થશે, પહેલાં માળિયાં સાફ કરી લઈએ. બધો કચરો એક વાર નીચે પડી જાય પછી મારી જરૂર નહીં. તું તારે નીચેનું કામ શાંતિથી કરજે. ધનજીએ પગ બારી પર મૂક્યો ને સળિયો પકડ્યો. એક જ કૂદકામાં ઉપર. લ્યો, ભાભી, ઝાડુ તો રહી ગયું. એ સામે પડ્યું. આપજો જરા, એમ કહી એણે ઝાડુ તરફ હાથ લંબાવ્યો. આવો ને આવો ઉતાવળિયો! બોલતી જાગૃતિ ઝાડુ લેવા વાંકી વળી. સાડીનો છેડો સરી ગયો. એની ભરાવદાર છાતીને ધનજી ચકળવકળ તાકી રહ્યો. જાગૃતિએ હાથ લંબાવ્યો પણ ધનજી હાથ લાંબો કરે તો ને? જાગૃતિના હાથમાં રહેલું ઝાડુ હવામાં તોળાઈ રહ્યું. એણે ઝાડુને સરખું પકડી માળિયામાં બેઠેલા ધનજીના પગ પર થપથપાવ્યું, અલ્યા, ક્યાં ખોવાઈ ગયો? લે, ઝટ કર. નાથી યાદ આવી કે? ધનજી પરસેવો પરસેવો થઈ ગયો હતો. એ હસ્યો. જાગૃતિએ સાડીનો છેડો સરખો કર્યો. નજરથી ઠપકો આપતી હોય એમ એની સામે જોવા ગઈ પણ એના હોઠ પર સ્મિત આવી ગયું. ધનજીએ ઝાડુ લીધું, એના કપાળ પરથી પરસેવાનું એક ટીપું જાગૃતિ પર પડ્યું. એ ચિડાઈ ગઈ. પણ પછી તરત સ્વસ્થ થતાં કહ્યું, તે, ચાલ જલદી કર ને જો ધ્યાન રાખજે, બધું સરખું ગોઠવવાનું પણ છે. હા, કહી ધનજી માળિયામાં ઊંડે ગયો. જાગૃતિ પર પડેલું ટીપું હજી એમ જ હતું. એણે ત્રીજી આંગળીના ટેરવાથી લૂછ્યું કે તરત વિચાર આવ્યો, ગંધ કેવી હશે? સંદીપ જેવી જ? એ વિહ્‌વળ થઈ ગઈ. અચાનક એની આંગળી નાક પાસે પહોંચી ગઈ. ગંધ ગમી ગઈ પણ તરત આંગળી હટાવી લીધી. ધનજીએ સઈડ સઈડ ઝાડુ ફેરવવા માંડ્યું. જાગૃતિ અકળાઈ ઊઠી, અલ્યા ધનજી, પચાસ વાર કીધું કે બધું બરાબર ગોઠવવાનું છે, સીધો વાળવા જ માંડ્યો? એટલું તો મનેય આવડતું’તું! ધનજીએ ઝાડુ મૂકી દીધું. ખૂણામાં પડેલાં ડબલાં વચ્ચે મૂક્યાં. આ ટી.વી.ના ખોખાનું શું કરવાનું છે, ભાભી? એણે પૂછ્યું. જાગૃતિએ કહ્યું, થોડીવાર લાવ અહીં નીચે. પછી પાછું ચડાવવું પડશે. એણે ધનજીએ લંબાવેલું ખોખું નીચે લઈ લીધું. ધનજીએ એક પેટી ખસેડી. જાગૃતિએ કહ્યું, જો તો એમાં શું કચરો ભર્યો છે? બાને નથી પોચાતું, નહીંતર આ બધું ક્યારનું ભંગારમાં – ધનજી પેટીમાંથી એક પછી એક વસ્તુ બહાર કાઢવા માંડ્યો. થોડી થોડી વારે પૂછે, આનું શું કરવાનું છે? આનું શું કરવાનું છે? જાગૃતિ કંટાળી ગઈ. વારેવારે શું પૂછ્યા કરે છે! ચાલ હું ઉપર આવું. આજે ફેંસલો થઈ જાય. જાગૃતિએ ધનજીની અદાથી બારી પર પગ મૂક્યો. સળિયો પકડ્યો, પણ કૂદકો લગાવવામાં લથડી ગઈ. ધનજી બોલ્યો, તમારું કામ નઈ! જાગૃતિને ચાનક ચડી. ના શું ચડાય! એણે શરીર ઉછાળ્યું. ડાબો હાથ માળિયા પર ટેકવાઈ ગયો. પણ ઉપર શી રીતે આવવું? એનાથી હોઠ ભીંસાઈ ગયા. ધનજી તરફ નજર કરી. કશું બોલી ન શકી. ધનજીએ એનો હાથ પકડી લગભગ તેડી જ લીધી. જાગૃતિ ઉપર આવી ને ધનજીએ સમતુલા ગુમાવી. બંને ચત્તાપાટ! જાગૃતિ સાડી ખંખેરતી માળિયામાં બેઠી થઈ. ધનજીના શરીરની સુગંધથી માળિયું ભરાઈ ગયું હતું. ધનજીએ પેલી પેટીને પગથી હડસેલીને પાછી ખૂણામાં ધકેલી દીધી. એ જાગૃતિ સામે જોવાનું ટાળતો હતો. ચાલો ભાભી, બતાવો. તમે કહો એ પ્રમાણે બધું નવેસરથી ગોઠવી દઉં. કહેતાં પરસેવાથી ભીની જરસી કાઢવા કર્યું પણ વળતું જાણે રજા માગતો હોય એમ એણે જાગૃતિ સામે જોયું. જાગૃતિએ પણ હકારમાં માથું હલાવી કંઈ કીધું નહીં. ધનજીએ જરસી કાઢી નાખી ત્યારે એનું ધ્યાન ગયું કે એ તો સંદીપની હતી. ધનજીની છાતી પરના કાળા ભમ્મર વાળ ને પહોળા ખભા જોઈ રહી. એને એ છાતી પર માથું મૂકી દેવાનું મન થઈ આવ્યું. આ પ્યાલા-રકાબીનું સ્ટેન્ડ તારે જોઈતું હોય તો લઈ જજે ને જલદી કર. પાછાં ડોશી બૂમો પાડશે. આપણે પહેલાં પેલા ખૂણાનો કચરો જ કાઢીએ. ધનજી જાણે એને સાંભળતો ન હોય એમ સ્ટેન્ડ બતાવી કહે, આમાં શું લેવાનું? કંઈ સારું હોય તોય ઠીક – જાગૃતિએ એના ખભે થપાટ મારી, લગભગ એના કાનમાં બોલતી હોય એમ બોલી, ધનિયા! તને તો મોળું નજરમાં જ નથી આવતું, બધું સારું સારું જોઈએ એમ! ધનજીએ જરા હિંમત કરીને એની કમર ફરતે હાથ વીંટાળી દીધો. જાગૃતિ ના કહેવા ગઈ પણ એનું શરીર આપમેળે ધનજીના હવાલે થઈ ગયું. પગ લાંબા થઈ ગયા. ધનજી આખેઆખો એના પર ઝળૂંબી રહ્યો. જાંઘ, પેટ, ડોક, ગાલ, બધે ફરી વળ્યો. ચુંબન અને બચકાં વચ્ચે જાણે કોઈ ભેદ નહોતો. એણે જાગૃતિને લગભગ ગૂંદી જ નાખી. ધીમે ધીમે એ છાતી સુધી પહોંચી ગયો. બંનેના પગની આંટીઓ વળી ગઈ. જાગૃતિને થયું, શરીરનો આજ ભલે લોટ બંધાઈ જાય. એણે ધનજીને એક આંચકે ઉપર લઈ લીધો. ધનજી પૂરી તાકાતથી એના ઉપર આવ્યો અને કાંઈ કમી ન રહેવા દીધી. બંને ક્યાંય સુધી પડ્યાં રહ્યાં. જાગૃતિની ડોક પર ધનજીનો શ્વાસ અથડાતો હતો. એણે બંધ આંખે જ ધનજીના કપાળે ને માથે હાથ ફેરવ્યો, બહાર એકદમ કોલાહલ શરૂ થઈ ગયો. નળમાં પાણી આવવાની સાથે લોકોએ ડોલ-વાસણનો ખખડાટ શરૂ કરી દીધો. જાગૃતિ એકદમ બેઠી થઈ ગઈ. માળિયા પરથી ઝડપથી ઊતરી ધડબડ ધડબડ નીચે આવી. ઉતાવળમાં કબજાના ઉપરના હુક ખુલ્લા રહી ગયા હતા. સાડી વધારે ઢીલી થઈ ગઈ હતી અને કપાળ પર બાઝી ગયાં હતાં પરસેવાનાં ટીપાં. બારણાંમાં પ્રવેશતો સંદીપ જાગૃતિ સામે જોતાં બોલ્યો, ગુજરાતણો, ગાંગલી ઘાંચણો, ગ્રહણ છૂટી ગયું ને? લ્યો, અમે મોટું ચક્કર મારીને આવ્યા – શો પહાડ તૂટી પડ્યો?