બિપિન પટેલની વાર્તાઓ/૩. તદ્‌ દૂરે તદ્‌ દૂરે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩. તદ્‌ દૂરે તદ્‌ દૂરે

પિસ્તાળીસની ઉંમરનાં એક બહેન વિહ્‌વળ થઈ ચોમેર જુએ છે. આજે અંબોડામાં મોગરાની વેણી ભરાવી છે. ઘડી ઘડી વેણી સરખી કરવા હાથ પાછળ જાય છે. તાજેતરમાં ફેસિયલ કરાવ્યું હોય તેવો ચહેરો ચમકે છે. ગાલ પર રૂઝ લગાડ્યું છે. પર્સમાંથી લુકિંગ ગ્લાસ કાઢીને જોયું. આ ઉંમરે પણ ચહેરાની રતાશ અકબંધ જોઈને મલક્યાં. પતિનું વિધાન ‘મારાં દાદી જેવી ઝીણી કણુચીની છે એટલે ચિરયૌવના રહેવાની’ સંભારી સહેજ વધારે મલક્યાં. ડાર્ક બોર્ડરવાળી જરીની સાડી પહેરી છે. બેઠાં બેઠાં સીનાથી પગ સુધી નજર કરી. સંતોષ ન થયો હોય તેમ ચહેરા પર રૂમાલ સહેજ દબાવ્યો. કોઈ વ્યક્તિ તેમનો નિખાર જુએ એવી અપેક્ષાથી બસમાં ચોમેર નજર ફેરવી. નેહરુનગર બસસ્ટૉપ પર બસ ઊભી રહી. કોઈક બીજું ખાબકશે એ ભયે સીટની ધારે ખસી બારીની સીટ બચાવી. વીણા આગળના સ્ટૉપ પરથી બેસે છે એની ખાતરી છતાં સહેજ ઊંચા થઈને જોયું. બસ ચાલતાં સહેજ ઠર્યાં. વળી, સીટની ધારે અધડૂકાં બેઠાં. આજુબાજુ જોવાનું બંધ કરી દરવાજા પર નજર ખોડી રાખી. બસ જેવી ઊભી રહે કે વીણાને ઊંચકીને બેસાડી દઉં, એમ બબડ્યાં. આંચકા સાથે બસ ઊભી રહી ને બારણું ખૂલતાં અર્ધાં ઊભાં થઈ ગયાં. વીણાને જોતાં જ, અલાં બહુ મોડું કર્યું, તું તો ખરી છે? રાહ જોઈ જોઈને ડોક દુઃખી ગઈ. – તમેય તે કહેવું પડે, સ્વાતિબહેન. એક તો બસ મોડી લાવ્યાં અને મારું સ્ટેન્ડ તો નિશ્ચિત છે. – કેમ, ઘણીવાર અશ્વિન મૂકી જાય છે ત્યારે ઉમિયાવિજયથી નથી બેસતાં? – એવાં નસીબ મારાં ક્યાંથી હોય? આ તો એમને સાજ સજવામાં મોડું થયું હોય, નોકર ના આવ્યો હોય અને ઘરના લૂંડાપા કરવાના હોય, એમાંય કેટલું કરગરું ત્યારે કોઈક વાર કમને મૂકી જાય. બાકી એના ભાઈબંધો માટે હાજરાહજૂર. સ્વાતિનું ધ્યાન વીણાની સાડી પર જતાં ઊકળી ઊઠી, કેમ આજે કોટનિયું ઠઠાડ્યું છે? અમે તારી લગ્નતિથિ નથી ભૂલ્યાં. લંચમાં જોજે, તારું કેવું ભવ્ય સ્વાગત થાય છે? તને ખબર તો છે એમને કૉટન જ ગમે છે અને અમારી લગ્નતિથિ થોડી છે કે આમ લટકમટક અને છન્નમછન્ના કરીએ. બાકી, તારો જામો પડે છે. સોળ વર્ષની સુંદરી – વીણા સડસડાટ બોલી ગઈ. સાંભળતાં સ્વાતિ મલકાઈ. રૂમાલથી પરસેવો લૂછ્યો અને શરૂ કર્યુંઃ એ સોળ વર્ષ ક્યાંય ચાલ્યાં ગયાં અને બીજાં ત્રીસેય પસાર થઈ ગયાં. આજે બાવીસમી મેરેજ એનિવર્સરી હતી તોય ઘરમાં કોઈના પેટનું પાણી ના હલ્યું. બાની વાત સમજ્યાં. એ તો જૂની પેઢીનાં એટલે એમને આ બધો તાયફો લાગે. ભારે સાડી પહેરેલી જોઈને કહે, ‘કેમ બારોબાર લગનમાં જવાની છે કે શું? ઑફિસમાં ચોળાઈ નહિ જાય? એના કરતાં ત્યાં જઈને બદલી હોય તો. એમ આખો દહાડો ફસેડીએ તો આખો ગવારો ઊકલી જાય.’ મને ફટ દેતી ચોપડાવી દેવાનું મન થયું પણ બળ્યું, આજે સપરમો દહાડો ક્યાં બગાડવો? ચૂપચાપ નીકળી પડી. ડૉક્ટરનું ધ્યાન જાય એ માટે ડ્રોઇંગરૂમના કેલેન્ડરમાં તારીખ નીચે આછો લીટો અને બેડરૂમમાં પેન્સિલથી ગોળ કુંડાળું પણ કર્યું હતું. પાછું એ પેનથી ન કરાય. વરજી તરત બબડે, ‘આટલા સુંદર કેલેન્ડર પર શાહી કોણે ઢોળી?’ આટલું કર્યું તોય એમનું ધ્યાન ન ગયું. છેવટે સામે ચાલી હેપ્પી મેરેજ – એનિવર્સરી કિસ આપ્યું ત્યારે એમને યાદ આવ્યું. તરત બચાવનામું પેશ કર્યું, ‘સોરી સ્વાતુ, જનરલ હૉસ્પિટલમાં ઓનરરી ડ્યુટી, પ્રાઇવેટ ડિસ્પેન્સરીના ચાર ધક્કા, વિશેષમાં પર્સનલ વિઝિટની લંગાર, ડિસઈન્ફેક્ટન્ટની ગંધ, ઇન્જેક્શન અને દર્દીઓના દયામણા ચહેરા પાછળ તું, આખું કુટુંબ ઝાંખાં થતાં ગયાં છો. એ મારો દોષ છે. તને સાવ વીસરી ગયો છું પણ આય એક પ્રકારની સેવા જ કહેવાય ને? નો ડાઉટ, તમારા ભોગે પણ નો વે આઉટ. ધિસ ઇઝ લાઇફ, સ્વાતુ. એમાં તારો પણ એટલો જ શેર છે. યુ ઓલસો સર્‌વ ધ સોસાયટી ઇન્ડાયરેક્ટલી’ કહી પ્રગાઢ ચુંબન કરી વેણી તરફ ધ્યાન જતાં, ‘પ્રિયે તવ લટે ધરું ધવલ શુભ્ર મોગરો’ કાવ્યપંક્તિ ગણગણવા લાગ્યા. ‘ઇટ વિલ નૉટ બી રિપિટેડ અગેઇન. આજે સાંજે ડિનર પક્કા, ઓ નો, આજે તો આઈએમએની કૉન્ફરન્સ છે. નેક્સ્ટ ડે સ્યોર. સૉરી સ્વાતિ, આઠ વાગ્યે વી.એસ. પહોંચવાનું છે. ઑકે? હેપ્પી મેરેજ એનિવર્સરી, ડિયર. સૉરી તારા માટે કાર્ડ લાવવાનું રહી ગયું. પ્રાચીના કાર્ડમાં મારું નામ ગણી લેજે, કહીને નીકળી ગયો. આ બધાંની ઝીણી ઝીણી વાતો યાદ કરીએ. અલગ અલગ ભાવતાં ભોજન બનાવીએ. મોર્નિંગ ક્લાસ હોય તો ગરમ ગરમ ભાખરી અને શાક. પેલી ચીબરીનેય સવારના પહોરમાં ગરમ ગરમ નાસ્તો, એમાંય પાછું ફરસાણ જ. મને થાય એમાં શું ઘસાઈ જવાનાં? પેલી ચકલી ફરરર ઊડીને દાણો દાણો બચ્ચાના મોંમાં કેટલી વાર મૂકે છે? જ્યારે આપણે તો આટલી બધી સગવડો વચ્ચે બાળકોને પ્રેમ કરવાનો છે પણ જાત ઘસીને પાણી કરીએ તો વળી, હૂંફની આશા તો રહે ને? આપણને રોબોટ ગણી એ લોકો માંગ માંગ જ કર્યા કરે અને કામ પતે કે સ્વિચ ઑફ્ફ. વાતો કરે તોય મન વિશ્વની ને મન તો ક્યાંય ભમતું હોય. કેરિયર અને દોસ્તો, હા, ખેલવું હોય એટલું ખેલો આ રમકડાં સાથે. સાબરમતી સર્કલ પસાર થતાં, ‘જય જગદીશ હરે’નો સમૂહસ્વર ગુંજ્યો. પાછળ બેઠેલા એક ભાઈએ ‘બહેન, હવે બાકીનો અધ્યાય ઑફિસમાં પૂરો કરજો’ કહેતાં, વીણા અને સ્વાતિ બંને ધરતી પર આવ્યાં. સચિવાલય આવતાં ચારે દિશાઓમાંથી કર્મચારીઓનો પ્રવાહ રેલાયો. બન્ને થોડીવાર મૂંગાં મૂંગાં ઊભાં રહ્યાં. જવાનું મન ન હતું. છેવટે હારીને, લ્યો, ત્યારે મળીએ બાર વાગ્યે કેન્ટીનમાં, એમ એકસાથે બોલીને છૂટાં પડ્યાં. વૈશાખના તાપમાં કેન્ટીન હકડેઠઠ ભરાયેલી. કાળઝાળ ગરમીથી બચવા બધા કર્મચારીઓ કેન્ટીનમાં ઠલવાયા હતા. ભરાયેલાં ટેબલની આસપાસ સમડીની જેમ ચીલઝડપ મારવા ટાંપીને ઊભેલાં નાનાં નાનાં જૂથ. ખૂણાના ટેબલ પર બેઠેલી બહેનોને એસ્કોર્ટ કરતો હોય એમ એક બેરરે કહ્યું, બહેન, હમણાં ના ઊઠશો. એકબે મિનિટ થોભી જાઓ. પેલાં આર એન્ડ બી-વાળાં બહેન આવે એટલે તમતમારે છુટ્ટાં.’ સ્વાતિ વીણાને જોતાં જ બેરરે કહ્યું, તમતમારે લહેર કરો, હવે રાજ્જા. બહેન, કેટલું મોડું કર્યું. તમારા માટે ટેબલ રોકી રાખ્યું’તું એટલે શેઠ ક્યારના ઘઈ કરતા’તા. – સૉરી, સૉરી, મોહનભાઈ, થેન્ક યુ, થેન્ક યુ. બન્ને બોલ્યાં. જોયું નાનો માણસ છે, પણ કેવું માન રાખે છે? મારું તો માનવું છે આ લોકોનાં દિલ સાફ હોય છે. બાકી આપણે આપી આપીને શું આપી દેવાના? બહુમાં બહુ તો દસવીસ રૂપિયા બોણી. આ વખતે સ્ટીલનું તપેલું લાવી આપેલું. એમ તો ઘરે બધાંના લૂંડાપા કંઈ ઓછા કરીએ છીએ? કહી વીણા બેઠી. પાલવમાં સંતાડેલું બુકે કાઢતાં જ બોલી, છેવટે ના રહેવાયું. લંચ ક્યારે પડે ને વળી, આ તો કરમાઈ જાય. તારા જેવી તરોતાજાને તો તાજ્જા જ. મેની મેની હેપ્પી રિટર્ન્સ ઑફ ધ ડે. અને લંચનુંય કહી જ દઉં. ચમચમ લાવી છું. ચમચમ કરતાં બહેનબા ખાજો ને સાંજે ડૉક્ટરસાહેબનેય ચ... ચ... ચસચસતું ચોડજો. ચા પૂરી થતાં સ્વાતિએ ઘડિયાળમાં જોયું. આજે મુવમેન્ટ કાર્ડ અને બ્રાન્ચ ડાયરી અપ-ટુ-ડેટ કરવાની છે. આવતી કાલે પંડ્યાસાહેબનું ઇન્સ્પેક્શન છે લે ત્યારે લંચ ઢૂંકડું જ છે ને, મળીએ – બન્ને ફરી એકવાર પોતપોતાની દિશામાં ફંટાયાં. લંચ સમયે સ્વાતિ વહેલી પહોંચી ગઈ. એમના નિશ્ચિત ટેબલ પર ગોઠવાઈ. લંચ બોક્સ ખોલી રાખ્યો. સવારે નીકળતાં પહેલાં મૂડ નહોતો એટલે છેલ્લે છેલ્લે ચેવડો અને બાજુવાળાએ નવી ગાડીની ખુશાલીના મોકલાવેલા પેંડા લાવી હતી. વીણાની ઇચ્છા હશે તો ગરમાગરમ રસવડાં અને હેવમોરનો રાજારાની મગાવીશ, એમ વિચારતી બેઠી રહી. મેની મેની હેપ્પી... કહેતાં વીણાએ ચમચમનો પીસ સ્વાતિના મોમાં મૂક્યો ને પછી તરત જ શરૂ થઈ ગઈ : આજે તો યુદ્ધ થઈ ગયું. હમણાં હમણાં એમનામાં ચેઇન્જ દેખાતો હતો. આફ્ટર શેવ, સ્પ્રે, ઘેરા રંગનાં શર્ટ અને પાછા આપણને ઉલ્લુ બનાવે : ‘લે ત્યારે, તને ગમે છે તો ડાઈ પણ કરી દે આ રવિવારે.’ આખો દિવસ ડાન્સ કરતાં કરતાં રસોડામાં આવીને અડપલાં કરી જાય. કૉટનની અર્ધો ડઝન સાડીઓ સોફામાં પાથરીને કહે, ‘કૉટન જ પહેર. ઉનાળામાં રાહત રહેશે અને આમેય સળેખડી છે તે સહેજ ભરાવદાર લાગીશ’ એ તો કરિયાણાવાળાનું બિલ આવ્યું એટલે ભેદભરમ ખૂલ્યા. બે ડબ્બા તેલ, ઘઉં, દાળ, મસાલાનું બિલ જોઈ હું ચમકી. અમારે તો સીઝનનું બધું ભરેલું. ઝલાયા એટલે ત...ત ... ફ.. ફ... કહે, એ તો અમારી સ્કૂલમાં એક બહેન આવ્યાં છે. નવાં નવાં છે એટલે મદદ તો કરવી પડે ને? મેં કહ્યું, તે આખાં બિલ ભરી આપવાનાં? ત્યારે તો સાડીઓ પણ લાવ્યા હશો? ત્યારે ખંધુ હસીને કહે, એ તો પાઈએ પાઈ વસૂલ કરી લેવાની છે. હાલ એના હાથ પર નાય હોય એમાં તારા પેટમાં શેનું તેલ રેડાયું? ના, ના સ્વાતિબહેન, ખોટું નહિ કહું, તમારાથી ક્યાં કશું છૂપું છે? અત્યાર સુધી પૂછી પૂછીને પાણી પીતા. બધો વહેવાર પણ મારા હસ્તક. બસ છેલ્લા એક મહિનાથી તેવર ફર્યો છે. અત્યાર સુધી હૈયામાં ભરી રાખ્યું હતું. આજે ના રહેવાયું. સાચું કહું? આજે ઘેર જવાનું મન નથી થતું. બેસી રહું બસ, લાખ કરગરે તોય પાછી ના જઉં. ઉંમર થઈ ને મોઢું ફેરવી લીધું અને તે પણ કેવા સમયમાં? હમણાંથી ઇરેગ્યુલર છે. માથું પકડાય તે પંદર દિવસ સુધી ઘામ રહે. માથામાં કોઈ ચોવીસ કલાક હથોડા ઠોકતું હોય. ઘેર ત્રણ માતાજી છે એનીય ચિંતા રહે. ઊંઘ વેરણ થઈ ગઈ છે. છોકરીઓને એમની ટાપટીપ, ગ્રુપ મિટિંગ, ફ્રેન્ડ્‌ઝની બર્થડે અને ‘કૉલેજમાં આજે રોઝ ડે હતો. મનીષાને યલો ગુલાબ મળ્યું, પિન્કીને વ્હાઇટ, મને તો પિંક મળ્યું.’ બોલો, ડેંટા જેવડાં છે ને કેવા ફાગ ખેલે છે? આખું વર્ષ જાતજાતના ડે. વેલેન્ટાઇન ડે, ટ્રેડિશનલ ડે, ચૉકલેટ ડે, વેજિટેબલ ડે. બાકી રહે તે પાછી પરીક્ષાઓ અને કૅરિયર. પૂછો તો કહેશે, ‘કેરિયર તો બનાવવી જ પડે, મમ્મા. કેરિયર ન બને તો રૂઈન થઈ જઈએ. સ્ત્રીઓએ ઇંડિપેન્ડન્ટ થવું જ પડશે. જમાનો બદલાયો છે.’ હા, અમારે રોટલા, ભાખરાં ટીચવાનાં ને તમારે જમાના બદલવાના. હમણાં નોકરેય નથી. એટલે ઠોબરાં ઘસવાનાં છે. ત્રણ જણીઓ છે પણ વહેંચ્યા બહારનું કશું કામ ના કરે. એક જણી ધોવે તો બીજી લૂછે ને ત્રીજી ગોઠવે. ઘસવાનાં તો માએ જ. એમણે તો નખ વધાર્યા હોય તે ગંદા ન થાય? રૂમોનાં પોતાંમાંય ભારત પાકિસ્તાનની સરહદની જેમ ધારેધાર મેળવે. બોલો, આ વેજાંને કેવી રીતે વેંઢારવી? બળ્યું, એમ કરતાંય માળો વીંખાય નહિ એટલે થયું. જમ્યા પછી ચોળાયેલું છાપું અને ટીવી. ટીવીમાંય છોકરાંઓને ગમતી સિરિયલ હોય તો બહાર હું ને મારો હીંચકો. સાહેબ ટ્યુશનમાંથી અગિયાર વાગ્યે આવે. થાકીને પથારી ભેગા. સવારના પહોરમાં પાછી વેઠ ચાલુ. વિચાર તો શું, શ્વાસ લેવાનો પણ ટાઈમ ન મળે. ધીરે ધીરે કેન્ટીન ખાલી થતી ગઈ. મોહન ટેબલ પાસે ઊભો રહ્યો. વાત અટકતાં મોહને પૂછી લીધું, બહેન, બીજી ચા લાવવી છે? – ના, ના, સાડા ત્રણ વાગી ગયા. સાહેબ ખખડાવી મારશે. કહી બન્ને ઝડપથી ઊઠ્યાં. લંચ બૉક્સ બંધ કરી ભાગ્યાં. કામમાં ચિત્ત ના ચોંટ્યું. ક્યાંય સુધી વાતો ઘૂમરાયા કરી. ઘણી વાતો કરવાની બાકી રહી ગઈ. ચાર વાગ્યાની ચા વખતે કહેવા માટે વાતો ફરી ફરી યાદ કરી. અઠવાડિયાનો છેલ્લો દિવસ હતો એટલે ઑફિસમાંથી ઘણા બધા ગાપચી મારી ભાગી ગયા હતા. કેન્ટીનમાં ભીડ આછી હતી. છોકરા તપેલાં ઘસવા લાગ્યા હતા. કાઉન્ટર ક્લાર્ક નોટોની થપ્પી બનાવી રબ્બર ભરાવતો હતો. બેરર ખૂણાની ખુરશી શોધી શર્ટનાં બધાં બટન ખુલ્લાં કરી પંખા નીચે બેઠા હતા. ઑફિસકામ પતાવવામાં વાર લાગી તેથી સ્વાતિ-વીણા ચા માટે મોડાં આવ્યાં. એમને જોતાં જ મોહન દોડતો આવીને કહે, બહેન, દૂધ ખલાસ લાગે છે. જોઉં તમારા જેટલી થાય તો લેતો આવું. બન્ને શાંત બેસી રહ્યાં. યંત્રવત્‌ ચા પિવાઈ. એક શબ્દ ન બોલાયો. ઑફિસની રૂટિન વાતોનાં બે ચાર વાક્યો આમતેમ બોલાયાં. ફરી પાછી શાંતિ. આજુબાજુનાં ટેબલો પર ખુરશીઓ ઊભી ગોઠવી એમના ઊઠવાની રાહ જોતો કેન્ટીન બોય ઊભો રહ્યો. લો, બસમાં મળીએ ત્યારે. તમારે ખાસ કંઈ કહેવાનું હતું? મારે તો... કહીને વીણા ઊભી થઈ. બાકી રહેલી વાતો માટે બસનો એક કલાક પૂરતો હતો પણ નવરાત્રિ હોય તેમ પાછાં ફરતાં પણ બસમાં અંબાજીની આરતી ગવાઈ. બરાડા પાડીને પ્રસાદ વહેંચાયો. એમ ત્રીસ મિનિટ પસાર થઈ. પાછળની સીટનું ગ્રુપ આજે જોરમાં હતું. થોડી વાર પત્તાં રમ્યાં અને છેલ્લે જોરોંસે ઇશ્કનાં ગીતો ગાવા લાગ્યા. કાને શબ્દ ન પડવા દીધો. તોય ત્રુટક ત્રુટક વાતો ચાલી : મોટા ભાઈએ માસ્તરને ગઈ કાલે જ ખખડાવ્યા છે એટલે ઠેકાણે આવી જશે; વીણાએ શ્રદ્ધા વ્યક્ત કરી. સ્વાતિએ પણ કહ્યું, હવે તો ડૉક્ટર સામે રીતસરનો મોરચો માંડીશ અને બહુ થાય તો આપણે બે તો છીએ જ ને. બેત્રણ મહિનામાં કેવાં હળી ગયાં! બન્નેએ પોલિટેક્‌નિકના સ્ટૉપ પર ઊતરવાનું નક્કી કર્યું. ભલે ઘેર મોડા જવાય. ઊતરીને સર્કલ પર ઊભાં રહ્યાં. વાતો અટકી. એકબીજા સામે જોઈને ઊભાં રહ્યાં. છેવટે થાક્યાં. ભીતિથી આસપાસ જોયું. સ્વાતિએ પ્રપોઝલ મૂકી. આમ પણ આજે ડૉક્ટર કોન્ફરન્સમાં જવાના છે. છોકરાં એમનું ફોડી લેશે. ચાલ આજે ઇન્દર રેસિડેન્સીમાં પાર્ટી આપું. ઘેર ફોન કરી દઉં. જમીને એડવાન્સમાં ‘ધ ડિસ્પેર’ ફિલ્મ જોઈને રખડીશું નેહરુ બ્રિજ પર. મન હશે તો માણેકચોક ચાટબજારમાં અને વળી, ક્યાંક દૂર... દૂર... મજા પડી જશે. વીણાને જવાનું ઘણું મન હતું. સહેજ અટકી. સ્વાતિનો હાથ પકડાયો અને પછી ધીમે રહીને છોડી દીધો. સ્વાતિ, તારી કંપનીમાં સાચ્ચે મજા પડે છે પણ વિનીત માંડ પાછો ફર્યો છે. આજે એને ભાવતાં રસ અને બેપડી જમાડું. તારી પાર્ટી ક્યાં નાસી જવાની છે? આપણે તો હંમેશનાં સંગાથી, એવું કહી પર્સ ખભે ભરાવી પાછળ જોયા વગર વીણા સડસડાટ ચાલતી થઈ. સ્વાતિ એને રોડ પરનાં વાહનો અને માણસોની ભીડમાં દૂર જતી જોઈ રહી અને ઊંડો શ્વાસ લેતાં, ચાલ જીવ ત્યારે, બોલીને ધીમે ડગલે રોડ ક્રોસ કરવા લાગી.