બીજી થોડીક/લોહનગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લોહનગર

સુરેશ જોષી

રાજા ઉગ્રસેન દરબાર ભરીને બેઠા છે. પરિસ્થિતિ ભારે વિકટ છે. મહામાત્ય બાહુબલિ પણ ભારે વ્યગ્ર છે. ત્યાં પ્રતિહારીએ સમાચાર આપ્યા: સુવર્ણપુરી ને માયાવતીના રાજદૂતો આવ્યા છે. આ સમાચારથી સભા સ્તબ્ધ બની ગઈ. રાજા ઉગ્રસેનને ફાળ પડી. છતાં રાજાને છાજે એવા રૂઆબથી એણે આદેશ દીધો. એમને અહીં હાજર કરો. સભા પૂતળાની જેમ બેસી રહી. રાજદૂતોએ આવીને રાજાને અભિવાદન કર્યું અને સોને ભરેલા રાતા વસ્ત્રમાં વીંટાળેલો પત્ર રાજાને આપ્યો. પત્ર વાંચતાં રાજાનો હાથ કંપવા લાગ્યો. સભાજનોનાં હૈયાં થરથર ધ્રૂજવા લાગ્યાં. પત્ર બાજુએ મૂકીને રાજાએ દૂતોને કહ્યું: કાલે સાંજ સુધીમાં તમને અમારો જવાબ મળી જશે. ત્યાં સુધી તમે અમારા અતિથિ છો. મન્ત્રીજી, એમને ચન્દનવાટિકામાં ઉતારો આપો.

રાજદૂતો વિદાય થયા. રાજાએ સભાને ઉદ્દેશીને કહ્યું: મહામાત્ય તથા સામન્તગણ, સુવર્ણપુરી અને માયાવતીનાં રાજ્યોએ આપણી સામે સંપ કર્યો છે, ને ખંડણીની માગણી કરી છે. એ રાજ્યોની વધતી જતી વસતિને માટે જો આપણે પૂર્વાંચલનો થોડો ભાગ કાઢી આપીએ, તો એ રાજ્યો આપણી સાથે મૈત્રીનો સમ્બન્ધ ટકાવી રાખશે અને જો ઉત્તર તરફ કુન્દવાસીઓ આપણા ઉપર આક્રમણ કરે તો તેની સામે યુદ્ધ કરી આપણું સંરક્ષણ કરશે. બોલો, આપણે શો જવાબ આપવો છે?

સભામાં ફરી નિસ્તબ્ધતા છવાઈ ગઈ. થોડી વાર પછી યુવાન સામન્ત રુદ્રદત્ત ફૂંફાડો મારીને ઊભો થઈ ગયો. એણે કહ્યું: એ આપણને હરગીઝ મંજૂર નથી. એ દેશોની વસતિ વધતી હોય તો ત્યાંના નાગરિકો અહીં આવીને વસે. પણ એમના પર આધિપત્ય તો આપણું જ રહે.

એની સામે પ્રૌઢ સામન્ત ધૈર્યદત્તે કહ્યું: એ ભાવના તો સારી છે. પણ આપણી ઉપર આક્રમણ થાય તો આપણે બચાવ શી રીતે કરીશું? થોડા ભૂમિખણ્ડને માટે આપણે શોણિત વહેવડાવીશું?

રુદ્રદત્તે તરત ગરજી ઊઠીને કહ્યું: આપણી ભૂમિ વીર સૈનિકના શોણિતના સીંચનથી જ ઉર્વરા બને છે. આવી કાયરની વાણી આપણે મુખે ન શોભે.

રાજા ઉગ્રસેને કહ્યું: તો સામન્ત રુદ્રદત્ત આક્રમણનો સામનો કરવાની જવાબદારી લે છે? સામન્ત રુદ્રદત્તે ઊભા થઈ, અદબથી ઝૂકીને કહ્યું: હા, મહારાજ.

રાજા ઉગ્રસેને પ્રતિહારીને બોલાવીને આદેશ દીધો: સુવર્ણપુરી અને માયાવતીના રાજદૂતોને હાજર કરો.

આશ્ચર્ય પામેલા રાજદૂતો સભામાં હાજર થયા. રાજાએ એમને ઉદ્દેશીને કહ્યું: અમારા આધિપત્યનું અમે ગમે તે ભોગે રક્ષણ કરવા ઇચ્છીએ છીએ. તમારા દેશના નાગરિકો અમારે ત્યાં આવીને અમારા નાગરિક થઈને વસી શકે છે. એમની આબાદી તે અમારી આબાદી છે. પણ અમારી ભૂમિ ઉપર અન્ય દેશનાં સૈન્ય કે રાજ્યશાસનને અમે આવકારતા નથી. આ અમારો જવાબ છે.

માયાવતીના રાજદૂતે કહ્યું: જો આ તમારો આખરી જવાબ હોય તો આવતી કાલે મધરાતને સમયે અમારાં સૈન્યો તમારા નગરના પ્ર્રવેશદ્વાર આગળ આવી પહોંચશે. ત્યારે અમારું સ્વાગત કરવા તૈયાર રહેજો.

સુવર્ણપુરીના રાજદૂતે કહ્યું: અમારો દેશ જરા દૂર છે, એટલે અમે ત્રીજા દિવસે પ્હો ફાટતાં આવી પહોંચીશું.

રાજદૂતો વિદાય થયા.

રાજાએ રુદ્રદત્તને કહ્યું: નગરના સંરક્ષણ માટે તમે શી યોજના વિચારી છે?

રુદ્રદત્તે કહ્યું: મહારાજ, એને માટે રાજ્યનાં આબાલવૃદ્ધે કામે લાગી જવું પડશે. મહારાજ જાણે છે કે આપણા રાજ્યમાં લોહપાષાણનો ચણેલો કોટ ભેદવો ભારે મુશ્કેલ છે. લોહપાષાણની મોટી દીવાલ હું નગરની આજુબાજુ ચણાવવાની વ્યવસ્થા કરું છું પણ એ દીવાલથી જ આપણું કામ સરે એમ નથી. ઉપરથી આખા નગરને ઢાંકી દે એવું વિશાળ લોહમય આચ્છાદન તૈયાર કરાવવાનું મેં વિચાર્યું છે.

બેચાર વૃદ્ધ સભાજનો બોલી ઊઠ્યા: આ તે કાંઈ એક દિવસમાં બને એવી વાત છે?

રુદ્રદત્તે સ્થિર અવાજે કહ્યું: એકેએક નગરવાસીએ એમાં સાથ દેવો પડશે. બાળક, નારી, યુવાન, વૃદ્ધ, રાજા, સામન્ત, પ્રધાન, વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્ર – પ્રાણીઓને પણ કામે લગાડીશું.

વળી ધૈર્યદત્તે વિરોધનો સૂર કાઢતાં કહ્યું: મહારાજ, આપણે હાથે આપણી ચારે બાજુ દીવાલ ચણીને આપણે કારાગારમાં પુરાઈશું?

રુદ્રદત્તે એની સામે ગરજીને કહ્યું: પરદેશીઓના આક્રમણનો સામનો કરવો હોય તો મારા આદેશને અનુસરવું પડશે.

રાજાજ્ઞા થઈ: નગરના સંરક્ષણનું કામ સામન્ત રુદ્રદત્તને હું સોંપું છું. સંરક્ષણ માટે એને જે પગલાં જરૂરી લાગે તે એ ભરશે. એ કાર્યમાં કોઈ પણ રીતે દખલ કરનારને દેહાન્તદણ્ડની શિક્ષા થશે.

તે જ દિવસની બળબળતી બપોરથી કામ શરૂ થયું. મોટી મોટી શિલાઓ નીચે માણસો ઢંકાઈ ગયા. માતાનાં હાલરડાં બંધ થયાં, બાળકોનું હસવું બંધ થયું. કેવળ ઓજારોનો અવાજ કાને સંભળાવા લાગ્યો. આથમતા સૂરજનેય કોઈ જોઈ શક્યું નહીં. દીવાલ ચણતાં કેટલા ભેગા ચણાઈ ગયા તેનો કોઈ હિસાબ કરવા નવરું નહોતું. સાંજ પડી: પંખીઓ બધાં બહાર રહી ગયાં. બહારનું ચણતર કરનારા બહાર રહી ગયા, માતા ને પુત્રનો વિયોગ થયો, પ્રિયતમ ને પ્રિયતમાનો વિયોગ થયો, પ્રણયના અર્ધા ઉચ્ચારાયેલા શબ્દો એક બાજુ રહી જઈને હવામાં ભટકવા લાગ્યા. રાત પડી; અમાસની રાતથીયે ગાઢો અન્ધકાર નગરને ઘેરી વળ્યો. ઉપરનું આકાશ પણ ઢંકાવા લાગ્યું ને મધરાત થતાંમાં તો આકાશનો પૂરેપૂરો લોપ થયો; તારાની લઘુ તેજદૃષ્ટિથી પણ નગરજનો વંચિત થયા. બીજો દિવસ એ નગરમાં ઊગ્યો જ નહિ; કારણ કે સૂર્ય કયા આકાશમાં ઊગે? પંખીઓ ક્યાં ગીત ગાય? માતાનું હાલરડું નહીં, બાળકનાં હાસ્ય નહીં, પ્રેમીઓના પ્રણયાલાપ નહીં, ગાયોનું ભાંભરવું નહીં, વૃક્ષોનો પર્ણમર્મર નહીં, વાયુનો સંચાર નહીં – અંદર એકલી નરી સુરક્ષિતતા. પણ એ સુરક્ષિતતા સાવ આંધળી હતી, સાવ મૂંગી હતી, સાવ બહેરી હતી.

મધ્યાહ્નનો પ્રખર સૂર્ય પૃથ્વી ઉપર તપવા લાગ્યો. એના પ્રકાશમાં નગર ઉપરનું લોહનું આચ્છાદન તગતગી ઊઠ્યું – જાણે પૃથ્વીના અંગ પર પડેલું ઘારું. આજુબાજુની હવા નગરની દીવાલ સાથે માથું પછાડીને નિસાસા નાખવા લાગી, પંખીઓ દયામણી મીટ માંડીને એ આંધળી દીવાલને જોઈ રહ્યાં, રસ્તાની રજ ઊડી ઊડીને પાછી આવી. દિવસ નમ્યો, સાંજ થઈ, રાત પડી, ચન્દ્ર ઊગ્યો. એ ચન્દ્રના પ્રકાશમાં કોઈ વિશાળકાય પિશાચના મસ્તકની જેમ એ બંધ નગર બિહામણું લાગવા માંડ્યું. માયાવતીનું સૈન્ય આવ્યું, ઘોડાઓ ચમક્યા, હાથીઓ ગાંડા થયા, માણસો આ ભયંકર દૃશ્ય જોઈને મૂઢ થઈ ગયા. આખું સૈન્ય હતું ન હતું થઈ ગયું. વહેલી સવારે સુવર્ણપુરીનું સૈન્ય આવ્યું. માયાવતીના સૈન્યની થયેલી અવદશાના અવશેષો જોઈને એ અર્ધેથી જ થંભી ગયું. પણ બંધ નગરને અથડાઈને આવતી હવાના નિસાસા માણસોને સંભળાયા; ધરતીના કણેકણમાંથી મૂક રુદન એકાએક ચારેબાજુ છલકાઈ ઊઠ્યું. સૂર્યચન્દ્ર ને તારાના તેજના સ્પર્શ વિનાની, પંખીના ટહુકારા વિનાની, બાળકોના હાસ્ય વિનાની, પવનના સંચાર વિનાની એ ધરતીના રુદનથી હવા થરથરી ઊઠી. સૈન્ય આખું અજાણ્યા ભયથી સ્તબ્ધ થઈ ગયું, ત્યાં ને ત્યાં જ જડાઈ ગયું.

હજુ તમે રાજા ઉગ્રસેનની એ રાજધાની આગળથી પસાર થાઓ તો તમને ધરતીનું એ રુદન સંભળાશે, આજુબાજુ કેટલાય જોજનના વિસ્તારમાં હવે વનસ્પતિ નથી. કેવળ રેતીનો અખૂટ વિસ્તાર છે. કહે છે કે એ નગર અર્ધું રેતીમાં દટાઈ ગયું છે. પણ રાતે ત્યાંથી કોઈ કાફલો હજુ પસાર થઈ શક્યો નથી. એ નગરની અંદર પુરાઈ રહેલી પેલી આંધળી, બહેરી ને મૂંગી સુરક્ષિતતા બધાંને ડરાવે છે. ધરતીનું મૂક રુદન હૃદયને હચમચાવી નાંખે છે. જ્યારે એના પર રણ પૂરેપૂરું ફરી વળશે, ને રેતીના થર નીચે એ દટાઈ જશે ત્યારે સુરક્ષિતતાનો મોક્ષ થશે. ત્યારે ફરી આ ધરતી પર મનુષ્યની પગલી પડશે, એ પગલીની હૂંફ પામીને વનસ્પતિનો અંકુર ફૂટશે, એ વનસ્પતિની ડાળે ડાળે ફરી પંખી ટહુકશે. પછી પાણીની સરવાણી ફૂટશે. એક છાપરું થશે, બીજું છાપરું થશે, મનુષ્યનો કણ્ઠ સંભળાશે, ચાંદનીનાં અમૃત રેલાશે, પ્રેમીઓની ગુપ્ત પ્રણયગોષ્ઠીથી પવનને રોમાંચ થશે, સૂરજદાદા આવીને બાળકના દન્તહીન હાસ્યની રતાશમાં તરબોળ થશે.

પણ આજે તો ત્યાં નિસ્તબ્ધતા છે. એ નિસ્તબ્ધતા કદિક કદિક આપણા હૃદયમાં પડઘા પાડે છે ત્યારે ભર્યા ભર્યા આપણા સંસાર વચ્ચે આપણે ચોંકી ઊઠીએ છીએ. ત્યારે બહાર દૃષ્ટિ કરીને આકાશને જોઈને નિશ્ચિન્ત થઈએ છીએ, બાળકને ખોળે લઈએ છીએ ને એને હસાવીને પેલી નિસ્તબ્ધતાને હઠાવીએ છીએ.